19 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
19 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતSurat: ભાજપ નેતાના આપઘાતનું રહસ્ય અકબંધ, મૃતક પાસેથી 2 કરોડ પડાવ્યાની આશંકા

Surat: ભાજપ નેતાના આપઘાતનું રહસ્ય અકબંધ, મૃતક પાસેથી 2 કરોડ પડાવ્યાની આશંકા


સુરતમાં અલથાણના ભિમરાડ ખાતે રહેતી અને ભાજપ વોર્ડ નં. 30ની મહિલા મોરચા પ્રમુખ દીપિકા પટેલે 1 ડિસેમ્બર બપોરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રાજકીય ક્ષેત્રે હાલ આ બનાવ ટોક ઓફ ધી ટાઉન બની રહ્યો છે, ત્યારે જે ઘરમાં પરિવાર રહેતો હતો તે ઘરમાં હાલ શોકનો માહોલ છે. કારણ કે, મોટા પુત્રના જન્મ દિવસના 19 દિવસ પહેલાં જ માતાએ જીવનનો અંત લાવી દીધો છે અને હસતો ખેલતો પરિવાર એક જ ઝાટકે વિખરાઈ ગયો છે.

કોર્પોરેટર ચિરાગ અને દીપિકા વચ્ચેની વાતચીતના CDR મંગાવવામાં આવ્યા

દીપિકા પટેલ સતત જેના સંપર્કમાં રહેતી હતી તે ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકીની ગત મોડી રાત્રે અલથાણ પીઆઈ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી. અલથાણ પોલીસે ત્રણ કલાક સુધી આ બનાવ સંબંધિત પ્રશ્નો કરી ચિરાગ સોલંકી અને દીપિકા પટેલ વચ્ચે થયેલી વાત-ચીતના સીડીઆર મંગાવવામાં આવ્યા છે. આ સાથે વોટ્સઅપ સહિત સોશિયલ ચેટિંગની પણ માહિતી મેળવવાના પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે.

દીપિકાએ આત્મહત્યા પહેલા ચિરાગ સોલંકીને ફોન કર્યો હતો

અલથાણ વિસ્તારમાં ભીમરાડ ગામમાં આવેલા બ્રાહ્મણ ફળિયામાં રહેતા 34 વર્ષીય દીપિકા નરેશભાઈ પટેલ ભાજપના સક્રિય કાર્યકર્તા સાથે વોર્ડ નંબર 30 સચિન, ઉન, કનસાડ અને આભવાના મહિલા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા. 1 ડિસેમ્બર રવિવારે બપોરે દરમિયાન દીપિકા પટેલ તેના બેડરૂમમાં એકલી હતી, તેના પતિ નરેશભાઈ ખેતરમાં કામ કરવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓના બે દીકરા 14 વર્ષીય પ્રેમ અને 12 વર્ષીય ધ્રુવ તથા તેની 8 વર્ષીય દીકરી ચાહત ઘરમાં રમી રહ્યા હતા. તે વેળા દીપિકાએ ભાજપ કોર્પોરેટર અને પારિવારિક સંબંધ ધરાવતા ચિરાગ સોલંકીને ફોન કર્યો હતો.

દીપિકાએ પંખા નીચે લટકીને આત્મહત્યા કરી

ત્યાર બાદ દીપિકાએ આપઘાત કરતી હોવાનું જણાવી ફોન કાપી નાખતા ચિરાગે વારંવાર અનેક ફોન કર્યા હતા. પરંતુ ફોન નહીં ઉપાડતા તે દીપિકાના દીકરાને કોલ કરી ઘરે પહોંચી ગયો હતો. જ્યાં ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. જેથી ચિરાગ અને દીપિકાના મોટા પુત્ર પ્રેમ સાથે દરવાજો તોડી નખ્યો હતો. આ સમયે દીપિકાએ દુપટ્ટા વડે પંખા સાથે ફાંસો ખાઈ લીધો હતો. ચિરાગે દુપટ્ટો ખોલી દીપિકાને નીચે ઉતારી તાત્કાલિક તેના ડોક્ટર મિત્ર આકાશને જાણ કરી હતી. ત્યાર બાદ અન્ય ડોક્ટર સુનિલ પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ દીપિકાની કોઈ હિલચાલ ના હોવાથી તેઓને સિવિલ હોસ્પિટલ ખસેડાતાં તબીબોએ મૃત જાહેર કરી હતી.

દીપિકા પટેલના પરિવારમાં કોઈ દુઃખ ન હતું

બ્રાહ્મણ ફળિયામાં દીપિકા પટેલનું બે માળનું મકાન આવેલું છે. જેમાં પહેલાં માળે દીપિકા પરિવાર સાથે રહેતી હતી. જ્યારે નીચે જેઠ અને જેઠાણી રહેતા હતા. દીપિકા ખૂબ જ હિંમતવાન મહિલા હતી. તેમના પરિવારના તમામ નિર્ણયો પણ તે જ લેતાં હતાં. સુખી સંપન્ન પરિવાર હોવાથી કોઈપણ પ્રકારનું દુઃખ ન હતું. આખો પરિવાર ખૂબ જ ખુશીથી રહેતો હતો. વારે તહેવારે ફરવા જતા હતા. આ સાથે જ્યારે પણ પરિવારમાં કોઈનો પણ જન્મદિવસ આવે તેને ઘરે જ ખૂબ જ ધામધૂમથી ઉજવતા હતા.

સોશિયલ મીડિયામાં દીપિકા સતત એક્ટિવ રહેતી હતી

દીપિકાએ સોશિયલ મીડિયામાં દરેકના જન્મદિવસની ઉજવણીના ફોટાઓ અને વીડિયો અપલોડ કર્યા છે. મેરેજ એનિવર્સરી હોય કે બર્થ ડે પરિવારના સભ્યોને કોઈને કોઈ ગિફ્ટ જરૂરથી આપવામાં આવતી હોવાનું સોશિયલ મીડિયા પરથી પ્રતિત થાય છે. આ ગિફ્ટમાં સોનાના હારથી લઈને આઈફોનનો પણ સમાવેશ થાય છે. ક્યારેક બર્થ ડેની ઉજવણી હોટલમાં પણ કરવામાં આવતી હતી. સોશિયલ મીડિયામાં દીપિકા સતત એક્ટિવ રહેતી હતી.

દીકરાના જન્મ દિવસ પહેલા જ ઘરમાં શોકનો માહોલ

દીપિકા પટેલના મોટા પુત્ર પ્રેમનો જન્મદિવસ આગામી 19 ડિસેમ્બરના રોજ આવી રહ્યો છે. પુત્રના જન્મદિવસના 19 દિવસ પહેલાં જ માતા દીપિકાએ જીવનનો અંત લાવી દિધો છે. દર વર્ષે દીકરાઓનો જન્મદિવસ માતા અને પિતા દ્વારા ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવતો હતો. ઘરે કેક લાવીને કટીંગ કરવામાં આવતી હતી અને પરિવારના સભ્યો જન્મદિવસની ગિફ્ટ આપતા હતા. જોકે, દીકરા પ્રેમના આ વર્ષના જન્મદિવસની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ છે. દીપિકા પટેલના એક પગલાના કારણે એક હસતા ખેલતા પરિવારનો માળો એક જ ઝાટકે વિંખાઈ ગયો છે.

નવા ઉમેરાયેલા વોર્ડમાં દીપિકાએ મહિલા મોરચાની કમાન સંભાળી હતી

સુરત મહાપાલિકાનું હદ વિસ્તરણ થયા બાદ ભીમરાડ વિસ્તાર ઉમેરાયો હતો. 2021માં વોર્ડનું નવું માળખું ઘડાયું ત્યારે દીપિકા પટેલની કાર્યકર તરીકે કરેલી કામગીરીની નોંધ લઈ વોર્ડના મહિલા મોરચાના પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. દીપિકા પટેલ સક્રિય રીતે ભાજપમાં કામગીરી કરતી હતી.

દીપિકાના મોતને લઈ રહસ્ય ઘેરાયું

સોશિયલ મીડિયામાં પોતાના વિસ્તારના નેતાઓની પણ તસવીર અપલોડ કરતી હતી. આ સાથે જ પરિવાર અને તેના માનેલા ભાઈ ચિરાગ સોલંકીની પણ તસવીરો અપલોડ કરતી હતી. આપઘાત કર્યો તે સવારે દીપિકાએ મામા-મામીની એનિવર્સરી અંગે સ્ટોરી મુકી હતી. દીપિકા પટેલ રવિવારે સવારે ખુશ હતી. ઈન્સ્ટાગ્રામ પર મામા-મામીની એનિવર્સરી અંગેની સ્ટોરી પણ મુકી હોવાનું જાણવા મળે છે. પણ બપોર બાદ કેમ આ પગલુંભર્યું? તે અંગે અનેક પ્રકારની શંકા કુશંકા સેવાઇ રહી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય