સુરતના સચિન પાલી ગામમાં રહેતા શ્રમિક પરિવારની ત્રણ બાળકીએ શુક્રવારે આઈસ્ક્રીમ ખાઈને તાપણું કર્યા બાદ તબિયત લથડતાં તેમનાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. એકસાથે ત્રણ બાળકીના મોતની ઘટના બનતા આરોગ્ય વિભાગ પણ દોડતો થયો છે. ત્રણેય બાળકીના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે કે પછી તાપણા સમયે કોઈ ઝેરી ધુમાડાને કારણે થયાં છે એની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અચાનક ચક્કર આવવા લાગ્યા અને ઉલટીઓ થઈ
ત્રણેય બાળકીનાં મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટમાં સામે આવી શકે છે. આ દુર્ઘટના સમયે શિલા નામની એક બાળકી પણ હાજર હતી, જેનો ચમત્કારિક બચાવ થયો છે. તેણે કહ્યું હતું કે હું, મારી બહેનો અને અન્ય બે છોકરીએ તાપણું કરી રહ્યા હતા. જે બે છોકરી આવી હતી તે આઈસ્ક્રીમ ખાતાં ખાતાં આવી હતી. અમને ઠંડી લાગી રહી હોવાથી તાપણું કરી રહ્યા હતા. ત્યારે અચાનક ચક્કર આવવા લાગ્યા હતા અને બાદમાં ઊલટીઓ થવા લાગતાં અમે દોડીને ઘરે ચાલ્યા ગયા હતા.
પરિવારજનોના કહેવા પ્રમાણે ઘરની નજીકમાં આવેલી દુકાન પરથી પાંચ જેટલી બાળકીઓએ આઈસ્ક્રીમ ખાધો હતો. રાત્રિના પાંચ જેટલી બાળકી તાપણું કરી રહી હતી. તાપણું કરી રહેલી ત્રણ બાળકીને ઊલટી થવા લાગી હતી. ઊલટી થયા બાદ બાળકીઓ બેભાન થઈ ગઈ હતી. જેથી ત્રણેય બાળકીને નજીકમાં આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 2 બાળકીના ખાનગી હોસ્પિટલમાં અને એક બાળકીનું સુરત સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. મોતનું સાચું કારણ જાણવા સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાઈ રહ્યું છે.
તબિયત વધારે લથડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી
પરિવારજનોએ જણાવ્યું હતું કે પહેલા તો નજીકમાં જ આવેલી ખાનગી હોસ્પિટલમાં ત્રણેય બાળકીની સારવાર કરવામાં આવી રહી હતી. ત્યારબાદ તબિયત વધુ લથડવાને કારણે દુર્ગા કુમારીને નવસારી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાં રાત્રિના સમયે તેમને અન્ય હોસ્પિટલ લઈ જવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ સાથે સારવાર પણ બંધ કરી દીધી હતી. રાત્રિનો સમય હોવાથી પરિવારજનો દ્વારા આજીજી કરવામાં આવી હતી, જોકે હોસ્પિટલના ડોક્ટરો ન સમજતાં સવારે ચારથી પાંચ વાગ્યાના સમયે સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
બે બાળકીના વહેલી સવારે મોત નીપજ્યા હતા. જ્યારે દુર્ગા કુમારીને સુરત સિવિલ હોસ્પિટલમાં પણ દાખલ કરવા માટે આનાકાની કરવામાં આવી રહી હતી. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓના સૂચના બાદ બાળકીને દાખલ કરી દેવામાં આવી હતી. ઓક્સિજન સહિતની આ બાળકીને સારવાર આપવામાં આવી રહી હતી પણ તેની તબિયતમાં કોઈ સુધારો થઈ રહ્યો ન હતો. આ દરમિયાન વહેલી સવારે બાળકીનું મોત નીપજ્યું હતું. ત્રણેય બાળકીના મોતના પગલે પરિવારજનોમાં રોષ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.
પીએમ રિપોર્ટ બાદ હકીકત સામે આવશે: ડોક્ટર કેતન નાયક
ડો. કેતન નાયકે જણાવ્યું હતું કે સચિન પાલી ગામની ઘટના છે. તાપણું કર્યું હતું ત્યાં સળગીને ધુમાડો ગયો હોવાની હિસ્ટ્રી છે અને આઈસ્ક્રીમ ખાધાની પણ ઘટના છે. એક બાળકીની માતા કહે છે કે તેની બાળકીએ આઈસ્ક્રીમ ખાધો નથી. તાપણું કર્યા બાદ ઊલટી થયા બાદ તેનું મોત થયાનું કહે છે. પીએમ કરાવીશું એટલે જે કંઈ સાચી હકીકત હશે એ બહાર આવશે.