આઇપીએલ રિટેન્શનની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે અને હરાજીમાં કેટલાક મોટા નામો જોવા મળશે. કોલકાતાએ પોતાના ચેમ્પિયન સુકાની તથા દિલ્હી કેપિટલ્સ વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને રિલીઝ કરી દીધા છે.
પંજાબે પણ આગામી હરાજીમાં નવી ટીમ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. આઇપીએલની આગામી હરાજી ખેલાડીઓ ઉપરાંત વિવિધ કોચ માટે પણ વિશેષ રહેશે.ચાર ફ્રેન્ચાઇઝી આગામી સિઝનથી નવા કોચ સાથે નવી શરૂઆત કરવા ઉત્સુક છે. આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સે રાહુલ દ્રવિડની મુખ્ય કોચ તરીકે વરણી કરી છે. દ્રવિડના કોચિંગ હેઠળ ભારતીય ટીમે કેટલાક મહિના પહેલાં જ આઇસીસી ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. દ્રવિડે પોતાની નિમણૂક અંગે જણાવ્યું હતું કે રાજસ્થાન ફ્રેન્ચાઇઝીમાં પરત ફરવાનો મને આનંદ છે. મારા માટે વધુ એક વખત પડકારાત્મક સમય છે.
શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર તથા સુકાની મહેલા જયવર્દનને મુંબઇ ઇન્ડિયન્સે 2025ની સિઝનથી મુખ્ય કોચ તરીકેની ભૂમિકા સોંપી છે. આ પહેલાં જે મુંબઇ ઇન્ડિયન્સ ગ્રૂપના ક્રિકેટ ડાયરેક્ટરની ભૂમિકામાં હતો.તે સાઉથ આફ્રિકાના માર્ક બાઉચરનું સ્થાન લેશે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર હેમાંગ બદાણીને દિલ્હી કેપિટલ્સે નવા કોચ તરીકે નીમ્યો છે. દિલ્હી કેપિટલ્સે પોતાના કોચિંગ સ્ટાફની કાયાપલટ કરી નાખી છે અને તેના જૂના તમામ સ્ટાફને રિલીઝ કરી દીધા છે.47 વર્ષીય બદાણી ચાર ટેસ્ટ અને 40 વન-ડે મેચ રમ્યો છે. વિવિધ લીગમાં પણ તે કોચિંગ કરી ચૂક્યો છે.
આઇપીએલની પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઈઝીએ રિકી પોન્ટિંગને પોતાનો નવો મુખ્ય કોચ બનાવ્યો છે. પોન્ટિંગ અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલો હતો પરંતુ તેને રિલીઝ કરવામાં આવ્યો છે. પોન્ટિંગે જણાવ્યું હતું કે નવા પડકાર માટે હું ઉત્સાહિત છું. મેનેજમેન્ટ તથા ટીમના માલિકો સાથે ઘણી યોજનાઓ અંગે મારે વાટાઘાટ થઈ છે.