વડોદરા : સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ અને તેમના પત્ની બેગોનીઆ ગોમેઝ વડોદરામાં મહેમાન બન્યા હતા. વડોદરામાં આ પહેલી ઘટના હતી કે એક સાથે બે વડાપ્રધાન શહેરના મહેમાન બન્યા હોય. બન્ને મહાનુભાવોએ શહેરના ઐતિહાસિક લક્ષ્મીવિલાસ પેલેસમાં બપોરનું ભોજન કર્યુ હતું.
અતિથિઓને શુધ્ધ, શાકાહારી, ચટાકેદાર કાઠિયાવાડી, ગુજરાતી, મહારાષ્ટ્રિયન, રાજસ્થાની અને પંજાબી વાનગીઓ પીરસવામાં આવી
આ શાહી ભોજન પેડ્રો સાંચેઝ અને તેમના પત્ની માટે યાદગાર રહેશે કેમ કે તેઓને સંપૂર્ણ શાકાહારી ભોજન પીરસવામાં આવ્યુ હતું, જેમાં કાઠિયાવાડી, ગુજરાતી, મહારાષ્ટ્રિયન, રાજસ્થાની અને પંજાબી વાનગીઓનો સમાવેશ થાય છે. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ અને તેમના પત્ની બેગોનીઆ ગોમેઝ માટે બપોરના શાહી ભોજન માટે ખાસ મેનુ તૈયાર કરવામાં આવ્યું હતું. આ મેનુમાં ડાયેટ ફૂડનો વિશેષ સમાવેશ થતો હતો. મેનુ મુજબ ભોજન વખતે ટેબલ પર બાજરી, જુવાર જેવા જાડા ધાન (મિલેટ્સ)થી બનાવેલ રોટલા, રોટલી, ભાખરી, ખીચડી સાથે કઢી પીરસવામાં આવી હતી. આ ઉપરાંત, ઢોકળા,ભજિયા, રાજસ્થાની કચોરી, રીંગણ-વટાણાનું શાક, ટીંડોળા-કાજુનું શાક, મહારાષ્ટ્રિયન પૂરણપોળી, ગુજરાતી બાસુંદી, રબડીનો પણ સમાવેશ કરાયો હતો.
મહત્ત્વની વાત એ છે કે બેગોનીઆ ગોમેઝે પંજાબી કરી ટેસ્ટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાથી મેનુમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાયો હતો. તેઓની ઇચ્છાને માન આપીને પનીર ભુના મસાલા, મિક્સ વેજ કોફ્તા, શાહી પનીર બટર મસાલા જેવી વાનગીઓને પણ તૈયાર કરવામાં આવી હતી. મુંબઇ અને દિલ્હીના માસ્ટર સેફ દ્વારા રસોઇ તૈયાર કરવામાં આવી હતી.