સુરત પાલિકાને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી હજીરાની કંપનીને ફાયદો કરાવવા માટે સુરત પાલિકાના કેટલાક અધિકારીઓ દલાલની ભૂમિકામાં આવી ગયા હતા. દોઢ વર્ષ પહેલાં પાલિકાએ આ કામને સૈધાંતિક મંજુરી સાથે એવો નિર્ણય કર્યો હતો. કે હજીરાની કંપની સાથે એમ.ઓ.યુ થાય ત્યાર બાદ જ ટેન્ડર ખોલવા. પરંતુ પાલિકાના અધિકારીઓ હજીરાની કંપનીને ફાયદો પહોંચાડવા માટે એટલા ઉતાવળા હતા કે કોઈ એમ.ઓ.યુ કર્યા જ ન હતા અને એમ.ઓ.યુ. વિનાની ફાઈલ મ્યુનિ. કમિશનર પાસે સહી કરાવવા પહોંચી ગયા હતા. ફાઈલ સાઈન કરાવવા માટે ઉતાવળ જોઈ મ્યુનિ. કમિશ્નરને શંકા જતાં તેઓએ ફાઈલ નો અભ્યાસ કરતા અધિકારીઓ ની પોલ ખુલ્લી પડી ગઈ હતી.
સુરત પાલિકામાં કાર્યપાલક ઈજનેર બન્યા બાદ રોકેટ ગતિએ તમામ મહત્વના ખાતા પર કબ્જો કરનારા પાલિકાના કાર્યપાલક ઈજનેર કેતન દેસાઈ આગળ અનેક સિનિયર હોવા છતાં ઈનચાર્જ એડીશનલ સીટી ઈજનેર પણ બની ગયા હતા. પાલિકાના તમામ મહત્વના અને મલાઈદાર ધરાવનારા કેતન દેસાઈનએ હજીરાના ઉદ્યોગોને ઔદ્યોગિક એકમોને ટરટી ટ્રીટેડ પાણી વેચવા માટેની દરખાસ્ત તૈયાર કરી હતી. આ માટે દોઢ વર્ષ પહેલા સૈધાંતિક નિર્ણય થયો હતો અને ત્યારે જ એવી શરત રાખવામાં આવી હતી કે હજીરાના ઉદ્યોગ સાથે એમ.ઓ.યુ કરવામા આવે અને એમ.ઓ.યુ થાય ત્યાર બાદ જ ટેન્ડર ખોલવામાં આવે તેવી સૂચના સ્પષ્ટ લખવામાં આવી હતી.
જોકે, સૈધાંતિક મંજુરી બાદ પાલિકાના કેટલાક અધિકારીઓએ કંપની સાથે મળીને આખો ખેલ ગોઠવી દીધો હતો. સૈધાંતિક મંજુરી વખતે પ્રોજેક્ટ ની કિંમત 900 કરોડની હતી. પરંતુ તે પ્રોજેક્ટ માં વધારો સુધારા કરીને આ પ્રોજેક્ટની દરખાસ્ત રજુ થાય ત્યારે 1800 કરોડની કરી દેવામાં આવી હતી. સૈધાંતિક નિર્ણય થાય અને ત્યાર બાદ કોઈ પ્રોજેક્ટમાં સુધારા વધારા કરવા હોય તો સક્ષમ સત્તાધીશો મંજૂરી લેવાની જરુરી હોય છે. પરંતુ આ કિસ્સામાં આવી કોઈ પ્રોસીજર ન કરીને પ્રોજેક્ટ કિંમત સીધી ડબલ કરી દેવામાં આવી હતી.
આ પ્રોજેક્ટ માટે પાલિકાની સ્પષ્ટ સૂચના છતાં એમ.ઓ.યુ કરવામાં આવ્યા ન હતા. ત્યાર બાદ હાલમાં આ દરખાસ્ત રજુ કરવામા આવી હતી તે ફાઈલ મ્યુનિ. કમિશનર પાસે ગઈ હતી. . જોકે, અધિકારીઓને એવો વહેમ હતો કે આ પ્રોજેક્ટ મહત્વનો હોય મ્યુનિ. કમિશનરે વાંચ્યા વિના વિશ્વાસ રાખીને સહી કરી દેશે. પરંતુ અધિકારીઓ જે રીતે સહી કરાવવા માટે ઉતાવળા બન્યા હતા તેથી મ્યુનિ. કમિશ્નરને ગંધ આવી જતા તેઓએ ફાઈલ માં એમ.ઓ.યુ. શોધ્યા હતા પરંતુ તે મળ્યા ન હતા. તેના કારણે એમ.ઓ.યુ. અંગે પૂછપરછ કરાતા અધિકારીઓ ભેરવાયા હતા.
જેના કારણે આખું કૌભાંડ ખુલી જતા મ્યુનિ. કમિશ્નરે કેતન દેસાઈને ડી ગ્રેડ કરીને ઈનચાર્જ એડીશન સીટી ઈજનેર માંથી પાછા કાર્યપાલક ઈજનેર બનાવી દીધા હતા. હાલમા આ ફાઈલનો અભ્યાસ થઈ રહ્યો છે તેમ એક બાદ એક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. જેમાં પાલિકાને દર મહિને કરોડો રૂપિયાનો ચૂનો લાગે અને હજીરાના કંપનીને સીધો ફાયદો થાય તેવા સંકેત મળી રહ્યા છે જેના કારણે દેસાઈ પર વધુ આકરા પગલા ભરવામાં આવે અને અન્ય જવાબદાર અધિકારી સામે પણ કાર્યવાહી થાય તેવી શકયતા પ્રબળ બની રહી છે.
કેતન દેસાઈ હસ્તકના અન્ય પ્રોજેક્ટની તપાસ કરવામા આવે તો બીજા કૌભાંડ પણ બહાર આવી શકે
સુરત પાલિકાના કાર્યપાલક ઈજનેર કેતન દેસાઈને ઈનચાર્જ એડીશન સીટી ઈજનેર નો ચાર્જ એડીશન સીટી ઈજનેર બનાવી દેવાયા હતા. તેમને પાલિકાના મહત્વના અને મલાઈદાર ગણાતા એવા વોટર રિસોર્સ એન્ડ રિક્રીએશન સેલના બરાજ, ડુમસ સી ફેઝ પ્રોજેક્ટ સહિત સીટી સ્ક્વેર અને સુરત પાલિકાના નવા વહીવટી ભવન,સહિતના અનેક પ્રોજેક્ટ ની કામગીરી સોંપી દેવામાં આવી હતી. અનેક પ્રોજેક્ટમાં વેઠ ઉતારી હોવા છતાં પણ તેમને જ ચલાવવામાં આવતા હતા તે પણ પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો હતો.
જોકે, હવે હજીરાના ઉદ્યોગોને ફાયદો કરાવવા માટે જે ખેલ કરવામાં આવ્યા હતા તે સમગ્ર પ્રકરણ મ્યુનિ. કમિશનરે ખુલ્લુ પાડી દીધું છે. જોકે, આ પહેલા પણ કેટલાક પ્રોજે્કટ ઉતાવળે મંજુર કરવામા આવ્યા છે અને તેમાં પણ રકમ મોટી થઈ ગઈ હતી તેવા પ્રોજેક્ટ માં કૌભાંડ થયું છે કે નહીં તેની તપાસ થાય તેવી અટકળો પણ પાલિકામા સાંભળવા મળી રહી છે.