Lounge Pass Scam: ઇન્ડિયામાં એક પછી એક અલગ-અલગ રીતે લોકોને છેતરવામાં આવી રહ્યાં છે. હાલમાં ફ્લાઇટમાં મુસાફરી કરનારા ટ્રાવેલર્સને છેતરવામાં આવી રહ્યા છે. ‘લાઉન્જ પાસ’ના બહાને તેમની સાથે ઘણી છેતરપિંડી થઈ રહી છે. અત્યાર સુધીમાં આ પ્રકારના ટ્રાવેલર્સ પાસેથી 9 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. આથી યૂઝર્સ દ્વારા હવે દરેક પ્રકારની ઓફરથી સાચવીને રહેવું જરૂરી બની ગયું છે.
એપ્લિકેશનથી બચીને રહો
આ સ્કેમને એન્ડ્રોઇડ એપ્લિકેશન દ્વારા કરવામાં આવે છે. એન્ડ્રોઇડ પર ‘લાઉન્જ પાસ’ નામની એક એપ્લિકેશન છે. આ એપ્લિકેશન ટ્રાવેલર્સને એરપોર્ટ પર લાઉન્જને એક્સેસ કરવાની સુવિધા પૂરી પાડે છે. આ એપ્લિકેશનમાં ખૂબ જ આકર્ષક ઓફર આપી લોકોને લલચાવવામાં આવે છે. આ દ્વારા પૈસા પડાવી લેવાય છે અને પછી સર્વિસ આપવામાં આવતી નથી. અત્યાર સુધી 450થી વધુ ટ્રાવેલર્સ આ સ્કેમનો ભોગ બની ચૂક્યા છે અને તેમની પાસેથી 9 લાખ રૂપિયા પડાવી લેવાયા છે.
કેવી રીતે બહાર આવ્યો આ સ્કેમ?
બેંગલોર એરપોર્ટ પર એક ટ્રાવેલરને આ એપ્લિકેશન દ્વારા છેતરવામાં આવ્યો હતો. તેનાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે તેની પાસેથી 87,000 રૂપિયા પડાવી લેવાયા છે. આ પોસ્ટ વાઇરલ થતાં CloudSEKની સર્ચ ટીમે આ સ્કેમને શોધી કાઢ્યું. આ સ્કેમ 2024ની જુલાઇ થી ઓગસ્ટ વચ્ચે મોટા પાયે કરવામાં આવી રહ્યો હતો. જેમણે આ ખોટી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી તેઓ તમામ આ સ્કેમનો શિકાર બન્યા હતા. આ એપ્લિકેશનને વોટ્સએપ અને સીધી લિંક મોકલીને ડાઉનલોડ કરાવવામાં આવતા હતા.
પૈસા ચોરી કરવામાં આવ્યા
સ્કેમ કરનારાઓ દ્વારા ફક્ત એરપોર્ટ પર લાઉન્જ એક્સેસ કરનારને ટાર્ગેટ કરવામાં આવતા હતા. લાઉન્જનો ઉપયોગ કરનારા મોટાભાગે બિઝનેસમેન અથવા તો પૈસાદાર વ્યક્તિ હોય છે. એક વાર યુઝરે આ એપ્લિકેશન એન્ડ્રોઇડમાં ઇન્સ્ટોલ કરી દીધી ત્યારથી સ્કેમર્સ તેમના દરેક મેસેજને જોઈ શકે છે. આથી તેઓ લાઉન્જ પાસ માટે આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરી તેમને બેન્ક ખાતા અથવા તો ક્રેડિટ કાર્ડમાંથી પૈસા કાઢી લે છે. આ માટે જ્યારે OTP પૂછવામાં આવે ત્યારે મેસેજમાંથી સીધો સ્કેમ કરનાર એ વાંચી લે છે.
એક કરતાં વધુ એપ્લિકેશન્સ?
આ રીતે એક એપ્લિકેશન સામે આવી છે, પરંતુ એવી ઘણી એપ્લિકેશન્સ હોવાનું સામે આવી રહ્યું છે. દરેક એપ્લિકેશનને ચકાસવું સહેલું નથી. આથી પ્લે સ્ટોર અને એપ સ્ટોર દ્વારા જ તે ખરા છે કે નહીં તે જાણી શકાય છે. ફક્ત લાઉન્જ પાસ જ નહીં, અન્ય ઘણી રીતે પણ અનેક લોકોને છેતરવામાં આવી રહ્યું છે. આથી દરેક વ્યક્તિએ આ પ્રકારના સ્કેમથી સાવચેત રહેવું જોઈએ.
આ પણ વાંચો: Appleને પછાડી Nvidiaએ, બની દુનિયાની પહેલાં નંબરની સૌથી મોટી અને વિશ્વસનીય કંપની
કેવી રીતે બચશો આ સ્કેમથી?
કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે હંમેશાં ગૂગલ પ્લે સ્ટોર અથવા તો એપલનો એપ સ્ટોરનો ઉપયોગ કરવો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા પહેલાં એ કોણે બનાવી છે અને કેટલાં લોકોએ ડાઉનલોડ કરી છે તે ધ્યાન રાખવું. કોઈ પણ પ્રકારના QR કોડને સ્કેન કરવાનું ટાળવું. પ્લે સ્ટોર પર એપ્લિકેશન ન હોય તો ફક્ત તે વસ્તુની ઓફિશિયલ વેબસાઇટ પરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરવી. કોઈ પણ લાઉન્જ અથવા તો ટ્રાવેલ એપ્લિકેશન મેસેજ વાંચવા માટેની પરવાનગી નથી માગતી. લાઉન્જ બુકિંગ માટે ઓફિશિયલ વેબસાઇટ અથવા તો સોર્સનો જ ઉપયોગ કરવો. આ પ્રકારની કોઈ પણ એપ્લિકેશન કે ઓફરમાં ફસાવવું નહીં. આ સાથે જ બેન્ક એકાઉન્ટ હંમેશાં એટલે કે દિવસમાં એક વાર ચેક કરવું. મેસેજ આવે તો તેને એક વાર જોતાં રહેવું કે પૈસા કપાયાં હોય એ માટેનો મેસેજ છે કે નહીં.