ભરૂચ જિલ્લામાં બોગસ ખેડૂત બનવાનું કૌભાંડઃ કરોડોની ખેતીની જમીનનો વેપલો થઇ ગયો

0

ખોટી રીતે ખેડૂત પ્રમાણપત્ર લઇને સંતાનોને વારસાઇથી ખેડૂત બનાવી દીધા, આ જ સંતાનોએ કરોડો રૂપિયાની ખેતીની જમીનોનો વેપલો પણ કરી નાંખ્યો

ખોટા ખેડૂત પ્રમાણપત્રથી વહિવટ કરેલી ખેતીની જમીનો સરકાર હસ્તક કરવાની સત્તા જિલ્લા કલેક્ટર પાસે હોય છે, ભરૂચ જિલ્લા કલેક્ટર કરી શકશે ?

ભરૂચ ઃ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં નકલીની બોલબાલા વધી છે. નકલી ખાદ્યખોરાકીની વસ્તુઓ, નકલી અધિકારીઓ, નકલી ટોલનાકું, નકલી મંત્રીના સંત્રી. જો આ બધુ જ નકલી પકડાતું હોય તો નકલી ખેડૂતોનો ભાંડાફોડ થાય તેમાં કોઇ નવાઇની બાબત ગણી શકાય નહી. ભરૂચ જિલ્લાના એક ગામમાં સરખા નામનો ઉપયોગ કરીને નકલી મહિલા ખેડૂત બનાવી હોવાની હકિકત ઉજાગર થવા પામી છે.

ભરૂચ જિલ્લાના કહાન-વરેડીયા ગામની એક ખેડૂત મહિલા રાબિયાબાનું અલીઉમરજીવલીના નામે બાપ દાદાના સમયથી ખેતીની જમીન ચાલી આવેલી હતી. આ મહિલાના નામ અને એના પિતાના નામ ધરાવતી અન્ય એક મહિલા અને તેના મળતિયાઓ દ્વારા 2006ની સાલમાં ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી અસલ ખેડૂત બનવા, બનાવવાનું કૌભાંડ આચર્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. રાબિયાબાનુ નામની અસલ મહિલાના નામથી જે તે સમયે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવીને એજ નામ ધરાવતી રાબિયાબાનુંએ 2006ની સાલમાં ખેડૂત હોવાનો દાવો કરીને જમીનની ખરીદી કરી હતી. આ જમીન ખરીદ કર્યા બાદ ખોટી રીતે ખેડૂત બનેલી રાબીયાબાનુ નામક મહિલાએ પોતાના વારસદારોના નામો ખરીદાયેલી જમીનના રેકોર્ડ પર ચડાવી દીધા હતા. ત્યાર બાદ તેના વારસદારો દ્વારા કરોડો રૂપિયાની કેટલીય ખેતીની જમીનોની ખરીદી અને વેચાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. આ સમગ્ર મામલે હાલ જે રાબીયાબાનુના નામનો ઉપયોગ કરી ખોટા ખેડૂત બનીને જમીનોની હેરફેર કરવામાં આવી છે તે મહિલા દ્વારા જિલ્લા કલેકટરને અરજી કરી ખોટી રીતે ખેડૂતો બની ખોટી રીતે ખેતીની જમીનોની ખરીદ અને વેચાણ થઇ છે તે તમામ જમીનો સરકાર હસ્તક કરવા માટે રજૂઆતો કરવામાં આવી છે.

મૂળ ખેડૂત રાબીયાબાનુ જેના નામનો ખોટો ઉપયોગ કરાયો

સરકારના નિયમો અને કાયદા અનુસાર ખોટા ખેડૂત પ્રમાણપત્રથી વહિવટ કરેલી ખેતીની જમીનો સરકાર હસ્તક કરવાની સત્તા જિલ્લા કલેક્ટર પાસે હોય છે. પરંતુ, આ કિસ્સામાં ભરૂચ જિલ્લા કલેક્ટર તેમને મળેલી સત્તાના અને ફરજના ભાગરૂપે કાર્યવાહી કરી શકશે ખરા ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *