સાવલી વિધાનસભા મતવિસ્તારમાં આવતા વાસણા કોતરીયા ગામે જાગૃત નાગરિક દ્વારા પંચાયતના સરપંચ તલાટી અને કોન્ટ્રાક્ટરના મેળાપીપણામાં વિકાસના અધૂરા કામો કરીને જ્યારે કેટલાક ધૂપલ કામો બતાવીને નાણા ઉપાડી લઈને ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
વાસણા કોતરીયા ગામે રહેતા સોલંકી દિલીપ રમણ (રહે સરપંચ વાળુ ફળિયું વાસણા કોતરીયા)એ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ચાલતા વિકાસના કામો પેવર બ્લોક RCC તેમજ બાંધકામ સહિતના કામો સંજય સરપંચ પંચાયત બોડી અને તલાટી કમ મંત્રીએ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરને કામ આપતા ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરી હતી. ગામના વિકાસના કામો બાબતે RTI દ્વારા માહિતી માગી હતી. જેમાં પંચાયત દ્વારા માહિતી અંતર્ગત કુલ 43 કામો માટે કરોડો રૂપિયા ખર્ચ કર્યા હોય તેવી વિગત સાથે માહિતી અરજદારને આપી હતી જેમાં અરજદાર દિલીપ સોલંકીએ પંચાયતની વિગત પ્રમાણે ગામમાં સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરતા વિકાસના કામોમાં મસ મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. વાસણા ગામે ગરીબ મજૂર કલ્યાણ કેન્દ્ર બનાવવા માટે ચાર લાખ 90 હજાર રૂપિયાનો ખર્ચ બતાવ્યો છે. તે નામનું સમગ્ર ગામમાં કોઈ સ્થળ જ નથી. જ્યારે ગામમાં કુવારી વગામાં પેવર બ્લોકનું કામ થયા વગર 2,50 લાખ રૂપિયા વહાણવટી માટેના મંદિરે પેવર બ્લોકનું કામ 50 ટકા થયું છે. 2,50 લાખ કટકા તલાવડી ખાતે રમણ છગનના ઘર પાસે સિંગલ ફેજ બોર મોટરનું કામ રૂા. 1,71 લાખની કિંમતનું ગોચરની જગ્યામાં કરાયું છે પણ આ બોરનો ઉપયોગ અંગત ઉપયોગ તરીકે ખેતી માટે પાણી વપરાઈ રહ્યું છે.
ગરીબ મજૂર કલ્યાણ કેન્દ્રના નામે 4.90 લાખ ફાળવ્યા
વાસણા કોતરીયા ગામના જાગૃત નાગરિક અમરીશ રાજપૂતે જણાવ્યું હતું કે, સમગ્ર ગામ અને તેની આજુબાજુ આવેલ પાંચ કિમી વિસ્તારમાં ગરીબ મજુર કલ્યાણ કેન્દ્ર નામનું કોઈ સ્થળ કે, જગ્યાએ આવેલ નથી. અને પંચાયત દફ્તરે આ નામનું સ્થળ બતાવીને ચાર લાખ 90 હજારની રકમનો ખર્ચ પાડયો છે જે ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો છે. કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અમારી માગ છે.
નવા અડધા કામ-જૂના કામોને નવા બતાવી ગેરરીતિ
જ્યારે પંચાયત સભ્ય રમેશ સોલંકીએ જણાવ્યું હતું કે, મોટાભાગના કામોમાં ભ્રષ્ટાચાર RTI કર્યા બાદ ધ્યાને આવ્યો છે. પંચાયત ધારાની કલમ 56 મુજબ કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે. નવા અડધા કામો કરીને અને જૂના કામોને નવા બતાવીને પંચાયતના નાણાંનો દુરુપયોગ થયો છે જેની સબંધિત અધિકારી દ્વારા તપાસ થવી જોઈએ અને કસુરવારોની સામે કડક પગલાં લેવા જોઈએ.