– રોશની પર્વે શહેરમાં રંગોની બજાર રંગબેરંગી બની ગઈ…
– સમયના વહાણા વીતતા રંગોળીનું સ્થાન ઓઈલ પેઈન્ટની રંગોળીએ ત્યારબાદ સ્ટીકરોએ ઝુંટવી લીધુ છતા મહત્વ અકબંધ
ભાવનગર : ઉજાશના મહાપર્વ દિપોત્સવીના તહેવારની ઉજવણીનો હરખ વ્યકત કરવાના મહિમાવંતા મહાપર્વે, ઝગમગતા દિવડાઓની સાથોસાથ તન અને મનને આકર્ષી લેતી એક એકથી ચડીયાતી અવનવી રંગોળીની સજાવટનું પણ સવિશેષ મહાત્મ્ય રહેલુ છે. તેથી જ દર વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન ભાવનગર સહિત ગોહિલવાડમાં અંદાજે ૧૦ ટનથી વધુ અવનવી ચિરોડીનું ધૂમ વેચાણ થાય છે. હાલ રોશનીપર્વ દિવાળીનો તહેવાર ઢુંકડો આવી પહોંચ્યો હોય ચિરોડીના વેચાણમાં ઉછાળો આવ્યો છે.
ગોહિલવાડમાં દિપોત્સવીના પર્વ ટાણે ઘરઆંગણે મનોહર રંગોળી પુરવાની અનોખી પરંપરા પૌરાણિક કાળથી ચાલી આવે છે. આથી જ પ્રવર્તમાન ૪ જીના ફાસ્ટ યુગમાં પણ શાળા અને કોલેજના વિદ્યાર્થીભાઈઓ તથા બહેનો મનોહર રંગોળીઓ પ્રત્યે ભારે આકર્ષણ ધરાવી રહ્યા છે તેથી ભાવનગર શહેર અને જિલ્લામાં વર્ષ દરમિયાન યોજાતી રંગોળી હરીફાઈઓમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે તે તેની પ્રતિતી સમાન છે. અનેક યુવાનો નાની વયથી જ પોતાના ઘર આંગણે એક એકથી ચડીયાતી આકર્ષક રંગોળીઓ કરવાનો ભારે શોખ ધરાવે છે. પ્રતિ વર્ષે દિવાળીના તહેવારના એક માસ અગાઉથી જ ચિરોડીનો આ સીઝનલ વ્યવસાય શરૂ થઈ જાય છે. આ દરમિયાન સ્થાનિક ઉપરાંત આસપાસના અનેક ગામોના વિક્રેતાઓ શહેરમાં ખરીદી માટે પુછપરછ અને ઓર્ડર નોંધાવી ડીલીવરીની તજવીજ હાથ ધરાય છે.એક અંદાજ મુજબ ભાવનગર શહેરમાં અંદાજે ૩૨ થી ૪૦ આસપાસ ચિરોડીના કલર ઉપલબ્ધ છે. જેમાં ગુજરાતી, રાજસ્થાની તેમજ અંગ્રેજી કલર પણ સામેલ છે. મોટા ભાગના કલર રાજકોટમાં બને છે. આજથી વર્ષો અગાઉ શંખજીરૂમાંથી, અબીલમાંથી તેમજ તપખીરમાંથી કલર બનાવાતા હતા.જયારે છેલ્લા ૪૦ વર્ષથી ચિરોડીમાંથી કલર બનાવવામાં આવે છે. રાજકોટ પાસેના કાલાવાડમાં ચિરોડીના અંદાજે પાંચથી વધુ જથ્થાબંધ વિક્રેતાઓ છે. તેઓની પાસેથી અંદાજે ૧૭૫ થી વધુ છુટક વિક્રેતાઓ, જનરલ સ્ટોર્સવાળા, છુટક વિક્રેતાઓ જાંગડમાં અને રોકડેથી માલ મંગાવવામાં આવે છે. ભાવનગર શહેરના હોલસેલ વિક્રેતાઓ કાલાવાડ ખાતેથી દિવાળીની સિઝનને લઈને ટન ભરીને ચિરોડી મંગાવે છે તેઓની પાસેથી જાંગડમાં લીધેલ ચિરોડી રૂા ૩૦ ની એક કિલો લેખે ભાવનગરમાં વેચાય છે. જયારે રૂા ૧૦ ના નાના પેકેટ અને ૮૦૦ ગ્રામના મોટા તૈયાર પેકેટ લારી ગલ્લાઓમાં વેચાણ અર્થે જોવા મળી રહ્યા છે. દિવાળીની સિઝન અગાઉ ભાવનગર શહેરમાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીના મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ ટાણે ઘરે ઘરે આંગણે રંગોળીઓ બનાવાઈ હતી.
દિવાળી ટાણે રંગોળી હરિફાઈઓ વધુ યોજાય છે
કલા અને સાંસ્કૃતિક નગરી તરીકે વિશ્વ વિખ્યાત ભાવનગરમાં દર વર્ષે દિપોત્સવીના તહેવાર આસપાસ સ્થાનિક વિવિધ સમાજ, જ્ઞાતિ, શાળા, કોલેજ, સામાજીક, ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર રંગોળી હરિફાઈના આયોજન કરવામાં આવે છે. જેમાં આયોજક સંસ્થાઓ દ્વારા કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે વિજેતાઓને અને સ્પર્ધકોને આકર્ષક ઈનામોથી નવાજવામાં આવે છે