પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની વનડે સિરીઝ રમી રહી છે. સિરીઝની બીજી મેચ 26 નવેમ્બરે રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાનના બેટ્સમેન સિવાય બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું અને 10 વિકેટે મેચ જીતી લીધી.
આ મેચમાં પાકિસ્તાની ખેલાડી સૈમ અયુબે એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો જે આજ સુધી કોઈ બેટ્સમેન કરી શક્યો નથી. તે આવું કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી પણ બની ગયો છે.
સૈમ અયુબે રચ્યો ઈતિહાસ
ઝિમ્બાબ્વે સામે રમાયેલી મેચમાં સૈમ અયુબે શાનદાર પ્રદર્શન કર્યું અને એક મોટી સિદ્ધિ પોતાના નામે નોંધાવી. ટીમનો સ્કોર 150થી ઓછો હોય ત્યારે સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ સૈમ અયુબના નામે થઈ ગયો છે, તે વિશ્વનો એકમાત્ર બેટ્સમેન બની ગયો છે. આ મેચમાં પાકિસ્તાને 146 રનનો પીછો કર્યો હતો.
ઝડપી સદી ફટકારીને મચાવી ધૂમ
અયુબે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સદી ફટકારી હતી. તેને તેની ઈનિંગ્સ દરમિયાન લગભગ તમામ બોલરો સામે મુક્તપણે બેટિંગ કરી હતી. આ દરમિયાન ડાબા હાથના બેટ્સમેને 62 બોલમાં 113 રનની શાનદાર ઈનિંગ રમી અને 17 ફોર અને 3 સિક્સ પોતાના નામે કરી. પાકિસ્તાની બેટ્સમેને 182.25ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને ODIને T20માં ફેરવી દીધી.
પાકિસ્તાને આ મેચ 10 વિકેટે જીતી
પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 32.3 ઓવરમાં 145 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે ટીમનો કોઈપણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો ન હતો. 146 રનનો પીછો કરતા પાકિસ્તાને 18.2 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના મેચ જીતી લીધી હતી. અયુબ સિવાય અબ્દુલ્લા શફીકે પણ 32 રનની અણનમ ઈનિંગ રમી હતી.
આ મેચમાં પાકિસ્તાની બોલરોનું પ્રદર્શન પણ જોવા મળ્યું હતું. અબરાર અહમદે 4 વિકેટ અને સલમાન આગાને 3 વિકેટ ઝડપી હતી. આ જીત સાથે પાકિસ્તાને 3 મેચની વનડે સિરીઝ 1-1થી બરાબર કરી લીધી છે.