અમદાવાદ શહેરમાં વહીવટ કરતા 13 વહીવટદારોની બદલી અન્ય જિલ્લાઓમાં કરી દેવામાં આવી છે. વહીવટી એડીજીપી ખુરશીદ અહેમદે આ બદલીના આદેશ કર્યા છે. ત્યારે અમદાવાદથી લઈને અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવતા પોલીસ વિભાગમાં ભારે હડકંપ મચી ગયો છે. લાંબા સમયથી વહીવટ કરતા પોલીસ કર્મીની બદલી કરવામાં આવી છે.બીજી તરફ અમદાવાદ શહેરમાં ચર્ચાનો વિષય એ પણ બન્યો છે કે ફકત 13 વહીવટદારોની જ કેમ બદલી કરવામાં આવી છે અન્ય વહીવટદારોની બદલી કયારે કરવામાં આવશે.
અન્ય વહીવટદારો વહીવટ કરે છે તેમની બદલી કયારે ?
અમદાવાદ શહેરમાં કુલ 7 ઝોન આવેલા છે અને આ સાત ઝોનમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનો આવેલા છે,પોલીસ ઈન્સપેકટરની સેવા કરવી અને તેમની સાર સંભાળ રાખવી તેનું કામ વહીવટદાર કરતા હોય છે,કયારેક વહીવટદાર પોલીસ સ્ટેશનના તો કયારેક વહીવટદાર પીઆઈ બહારથી લાવતા હોય છે,આવા વહીવટદારો વિસ્તારમાં ખાનગી રીતે ધ્યાન રાખતા હોય છે અને ગેરકાયદેસર પ્રવૃતિ પોલીસ સ્ટેશનના નાક નીચે ચાલતી હોય છે તેનું પણ ધ્યાન રાખીને પીઆઈને રૂપિયા કમાવી આપતા હોય છે.ત્યારે અમદાવામાં 45 ઉપર પોલીસ સ્ટેશનો આવેલા છે ત્યારે ફકત 13 વહીવટદારોની જ બદલી કેમ થઈ ? અન્ય વહીવટદારોની બદલી કયારે થશે તેવો ગણગણાટ પોલીસમાં ઉભો થયો છે.
મોટાભાગના વહીવટદારોની બદલી નથી થઈ
અમદાવાદ શહેરમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વહીવટદારો સાદા કપડામાં પીઆઈનો વહીવટ કરતા હોય છે,ત્યારે 45 કરતા વધુ પોલીસ સ્ટેશનો છે તેમાં પણ વહીવટ તો થતો જ હશે ને તો 13 પોલીસ કર્મીઓની વહીવટદાર તરીકે બદલી કરવામાં આવી છે,તો બાકીના જે મોટા વહીવટદારો છે જે ક્રીમ પોલીસ સ્ટેશનનો વહીવટ કરે છે તેમની બદલી કેમ કરવામાં આવી નથી તે ચર્ચાનો વિષય બન્યો છે,તો ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીની સંભાળ રાખનાર વહીવટદારો હજી યથાવત જ છે તેમની બદલી કરવામાં આવી નથી.
લીલા ભેગુ સૂકું બળ્યું
પોલીસના સૂત્રો તરફથી માહિતી મળી છે કે જે 13 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે જેમાં બે થી ત્રણ પોલીસ કર્મીઓ તો એવા છે કે જે વહીવટ કરતા નથી અને તેમની બદલી કરી દેવામાં આવી છે,ત્યારે આગામી સમયમાં અન્ય વહીવટદારોની બદલી કરવામાં આવે છે કે નહી તે ચર્ચાનો વિષય બન્યો છે.
આ પોલીસ કર્મચારીઓની કરાઈ બદલી
01-રાજેન્દ્રસિંહ અજીતસિંહ ગોહિલ- તાપી જિલ્લામાં બદલી
02-કેયુર ધીરૂભાઈ બારોટ – જુનાગઢ જિલ્લામાં બદલી
03-સિરાજ રજાક મન્સુરી- પોરબંદર જિલ્લામાં બદલી
04-હરવિજયસિંહ દિગ્વીજયસિંહ ચાવડા- અમરેલી જિલ્લામાં બદલી
05-જગદીશ કાંતિલાલ પટેલ- પશ્ચિમ કચ્છ ભૂજ જિલ્લામાં બદલી
06-મહેન્દ્રસિંહ રણછોડભાઈ દરબાર- જામનગર જિલ્લામાં બદલી
07-ફિરોજખાન મનસુરખાન પઠાણ- બોટાદ જિલ્લામાં બદલી
08-ઈન્દ્રવિજયસિંહ દાદુભા વાઘેલા- નર્મદા જિલ્લામાં બદલી
09-મહિપતસિંહ ઉદેસિંહ ચૌહાણ- જામનગર જિલ્લામાં બદલી
10-લાલજી ચતુરભાઈ દેસાઈ- દેવભુમિ દ્વારકા જિલ્લામાં બદલી
11-સમીઉવા યાવરમિંયા ઠાકોર- રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં બદલી
12-જીવણ મેઘજી યાદવ- મહીસાગર જિલ્લામાં બદલી
13-અક્ષયસિંહ રામસિંહ પુવાર- પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં બદલી