Vadodara Corporation : વડોદરા શહેરના વિવિધ ત્રણ વિસ્તાર માંજલપુર, કલાલી અને યાકુતપુરાના કુલ ત્રણ સુએજ પંપીંગ સ્ટેશનનું ત્રણ વર્ષ માટે મેન્ટેનન્સ અને ઓપરેશન કરવાના કામ અંગે રાજકોટ, વડોદરા, ધર્મજના કોન્ટ્રાક્ટરોએ રીંગ બનાવીને અંદાજિત ભાવથી 7 ટકા ભાવ વધારો માંગ્યો હતો. જેથી પાલિકા તંત્રના માથે બોજો પડશે.
ઉલ્લેખનીય છે કે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ સુવેઝ પંપીંગ સ્ટેશનનું મેન્ટેનન્સ અને ઓપરેશન કરવા અંગે ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવાનું નક્કી કરાયું હતું. આ અંગે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા રાજકોટના કોન્ટ્રાક્ટર પૂજા કન્સ્ટ્રક્શન દ્વારા આવેલા સૌથી ઓછા ભાવમાં અંદાજિત ભાવથી વધુ 7 ટકા વધારો માંગવામાં આવ્યો હતો. જે નિયત ભાવપત્ર કરતા રૂપિયા 39,00,816 લાખ વધુ હતા. આવી જ રીતે, કલાલી વિસ્તારના સુએઝ પંપીંગ સ્ટેશનનું ત્રણ વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સ કરવાના કામ અંગે વડોદરાના કોન્ટ્રાક્ટર લક્ષ્મીનારાયણ એન્જિનિયરિંગ દ્વારા નિયત ભાવથી 7 ટકાથી વધુ માંગતા વધુ રૂપિયા 37,89,828નો બોજ પડશે. આ ઉપરાંત યાકુતપુરા વિસ્તારના સુએઝ પમ્પિંગ સ્ટેશનનું ત્રણ વર્ષ માટે મેન્ટેનન્સ અને ઓપરેશન કરવા અંગેનો કોન્ટ્રાક્ટ ધર્મજના કોન્ટ્રાક્ટરને નિયત ભાવથી 7 ટકા વધુ મુજબ રૂપિયા 39,91,860 ચૂકવવાના થશે. આમ પાલિકા તંત્ર પર કુલ રૂપિયા 1,13,31,907 નો બોજો પડશે. આ ત્રણેય કામ મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરાશે.