Banned Chinese Mobile: ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેઇલર્સ અસોસિએશન (AMIRA) દ્વારા સેન્ટર, એટલે કે કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવી છે કે ચાઇનીઝ કંપનીઓના લાયસન્સ કેન્સલ કરવામાં આવે. AMIRA દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે વિવો દ્વારા ખરીદી લેવામાં આવેલી બ્રાન્ડ iQoo, શાઓમી દ્વારા ખરીદી લેવામાં આવેલી બ્રાન્ડ Poco અને ઓપ્પો દ્વારા ખરીદી લેવામાં આવેલી બ્રાન્ડ વનપ્લસ દ્વારા માર્કેટમાં ખોટી રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેઓ જે રીતે કામ કરે છે એ કાયદા વિરુદ્ધનું છે. ઓનલાઇન સેલ યોજવામાં આવે છે ત્યારે ઘણી કંપનીઓના મોબાઇલ સસ્તામાં મળી જાય છે. જો કે, એના કારણે રીટેઇલ શોપના માલિકોને નુક્સાન થઈ રહ્યું છે. આ માટે પંદર લાખથી વધુ રીટેઇલર્સના અસોસિએશન AMIRA દ્વારા કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પિયુષ ગોયલ અને ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા સિતારામનની મદદ માગવામાં આવી છે.
નિયમોનું ઉલ્લંઘન
AMIRA દ્વારા આ ચાઇનીઝ કંપનીઓ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ નિયમોનું ઉલ્લંઘન કરે છે. તેઓ વારંવાર આવી ભૂલો કરી રહ્યાં છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આ કંપનીઓને સતત આ વિશે કહેવામાં આવતાં છતાં આ કંપનીઓ નિયમ તોડવાનું ચાલુ રાખી રહી છે. આ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી વેબસાઇટ્સ સાથે એક્સક્લુઝિવ ડીલ કરે છે. આ કંપનીઓના મોબાઇલ રિટેઇલ શોપમાં નથી જોવા મળતા. તેઓ ફક્ત વેબસાઇટ પર જ વેચે છે.
બિઝનેસ પર અસર
AMIRAનું કહેવું છે કે ભારતમાં ઓનલાઇનની સાથે લોકલ બિઝનેસને પણ બેલેન્સ કરવું જરૂરી છે. આથી, ઇન્ડિયામાં ટ્રેડિંગની પ્રેક્ટિસ યોગ્ય રીતે થવી જોઈએ. તેમાં કોઈ નિયમ ભંગ કરે તો તેમને દંડ પણ કરવો જોઈએ. AMIRAના કહ્યા મુજબ, ઓનલાઇન સેલિંગને કારણે પૈસાના રોટેશન પર અસર પડે છે. પૈસા રોટેટ થવા જોઈએ એટલાં નથી થતા. તેમ જ વધુ રોટેશન એટલે વધુ GST, આથી સરકારને પણ એમાં નુક્સાન થતું હોવાનું કહેવામાં આવ્યું છે.
મંત્રીઓ પાસે મદદ માગી
AMIRA દ્વારા સાંસદસભ્ય પ્રવીણ ખાંડેલવાલની પણ મદદ માગવામાં આવી હતી. AMIRA દ્વારા કોમર્સ અને ફાયનાન્સ મિનિસ્ટર્સને આ વિશે લેટર લખવામાં આવ્યો છે. તેમ જ પ્રવીણ ખાંડેલવાલ પાસે મદદ માગી છે કે આ ઇશ્યુને મહત્ત્વ આપવામાં આવે અને તેનો ઉકેલ લાવવામાં પણ આવે.
આ પણ વાંચો: હવે ગૂગલનું પ્રીમિયમ ફીચર જેમિની લાઇવ એન્ડ્રોઇડ યુઝર્સ માટે ફ્રી, આ રીતે ઉપયોગ કરો
મોબાઇલ માગવા છતાં સપ્લાય કરવામાં નથી આવતી
રીટેઇલર્સ દ્વારા વિવો અને iQoo પાસે મોબાઇલ માગવા છતાં, તેમને સપ્લાય કરવામાં નથી આવતી. દર વખત ડિલે કરવામાં આવે છે અને સ્ટોક નથી એમ કહેવામાં આવે છે. તેમ જ ઘણી વાર કોઈ જવાબ પણ નથી મળતો. જો કે, જ્યારે ઓનલાઇન ફેસ્ટિવલ હોય ત્યારે તેમની પાસે ઘણો સ્ટોક હોય છે. આથી, આ કંપનીઓના લાયસન્સને કેન્સલ કરવા માટેની ડિમાન્ડ કરવામાં આવી છે.