અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરમાં સતત ઉછાળો આવી રહ્યો છે. છેલ્લા 8 દિવસથી સતત અપર સર્કિટ લાગી રહી છે. ત્યારે શુક્રવારે પણ 5 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. તેમાં તેજીની સર્કિટ સાથે કંપનીમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. આ સાથે 27 સપ્ટેમ્બર 2024ના રોજ કંપનીના શેરોમાં 5 ટકા તેજી સાથે રૂપિયા 46.36 રૂપિયા રહ્યો છે. જે 52 વીકમાં સૌથી હાઇ લેવલે નોંધાયો છે. છેલ્લા 8 કારોબારી દિવસમાં શેરમાં કુલ 46.6 ટકાનો ઉછાળો આવ્યો છે.
તેજી પાછળનું આ છે કારણ
મહત્વનું છે કે સોમવારે રિલાયન્સ પાવર બોર્ડ તરફથી પ્રિફરેશનલ એલોટમેન્ટ દ્વારા 1525 કરોડ રૂપિયાના 46.2 કરોડ ઇક્વિટી શેર અને વોરંટ ઇશ્યૂ કરવા મંજૂરી આપ્યા બાદ સતત તેજી નોંધવામાં આવી રહી છે. કંપનીના પ્રમોટર રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોતાની ઇક્વિટી સ્ટેકમાં 600 કરોડ રૂપિયાથી વધારે વધારો કરશે. પ્રિફરેશનલ ઇશ્યૂમાં ભાગ લેનારા અન્ય નિવેશકોમાં ઑથમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને સનાતન ફાઇનાન્શિયલ એડવાઇઝરી સર્વિસિસ પ્રાઇવેટ લિમિટડ પણ સામેલ છે.
શેરમાં રોકેટ ગતિએ તેજી
આ મહિને ગત 23મી સપ્ટેમ્બર,2024ના રોજ કંપનીના બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ફંડ એકત્રિત કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. કંપનીએ ઘરેલુ બજારો સાથે વૈશ્વિક માર્કેટમાંથી ફંડ એકત્રિત કરવાની યોજના તૈયાર કરી છે. મહત્વનું છે કે અનિલ અંબાણીની બે કંપનીનું દેવુ ભરપાઇ થઇ ગયુ છે જે બાદ કંપનીના શેરોમાં સતત તેજી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ હોમ ફાઇનાન્સમાંથી ભંડોળના દુરુપયોગના કેસમાં સેબીએ અનિલ અંબાણીને સિક્યોરિટી માર્કેટમાંથી પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કર્યા હતા જે બાદ રિલાયન્સ પાવરના શેરમાં ભારે ઘટાડો થયો હતો.
રોકાણકારોને એક વર્ષમાં મલ્ટિબેગર રિટર્ન મળ્યું
તમને જણાવી દઈએ કે રિલાયન્સ પાવરના શેરે છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોને 141.6% નું મલ્ટિબેગર વળતર આપ્યું છે, જ્યારે શેરે વાર્ષિક ધોરણે 93.6% વૃદ્ધિ કર્યા પછી બમણી વૃદ્ધિ હાંસલ કરી છે.