દેશમાં ધમકીભર્યા કોલ અને ઈ-મેલ મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ધમકીભર્યો મેલ મળ્યો છે. જેમાં ભારતીય રિઝર્વ બેંકને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
મુંબઇ પોલીસ સતર્ક
RBI ગવર્નરના મેઈલ આઈડી પર રશિયન ભાષામાં ઈ-મેલ આવ્યો છે. મેઈલ મળ્યા બાદ મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને MRA માર્ગ પોલીસ સ્ટેશનમાં મેઈલ મોકલનાર વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
કેસ દાખલ
રશિયન ભાષામાં લખાયેલો ધમકીભર્યો ઈમેઈલ ગુરુવાર, 12 ડિસેમ્બરે બપોરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઈમેલ મળ્યા બાદ માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રશિયન ભાષામાં ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ તમામ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.
એજન્સી હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કોઇએ મશ્કરી કરી છે કે કેમ. પોલીસ આ મામલે તપાસમાં વ્યસ્ત છે અને VPN અને IP એડ્રેસ દ્વારા ઈમેલ મોકલનારને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ અને નિષ્ણાંતો પણ આ કેસની તપાસમાં લાગેલા છે.
અગાઉ પણ મળી હતી ધમકી
મહત્વનું છે કે અગાઉ નવેમ્બર 2024માં પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક સેવા વિભાગને ધમકીભર્યો કોલ આવ્યો હતો. આ કોલમાં વ્યક્તિએ પોતાને લશ્કર-એ-તૈયબાનો સીઈઓ ગણાવ્યો હતો અને બેંકને ધમકી આપી હતી.