રાજકોટમાં ચાઈનીઝ દોરીના વેચાણને લઈને પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શહેરમાં ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા જાહેરનામાને લઈને માહિતી આપવામાં આવી છે. શહેરમાં ચાઈનીઝ દોરીના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ચાઈનીઝ દોરીથી અનેક લોકોના જીવ ગયા: DCP
ત્યારે શહેરમાં જો કોઈ વ્યક્તિ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા કે ઉપયોગ કરતા પકડાશે તો તેની વિરુદ્ધ BNSની કલમ 23 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. DCP જગદીશ બાંગરવા દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે દર વર્ષે ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકોના જીવ જવાની તેમજ ઈજાગ્રસ્ત થવાની ઘટનાઓ સામે આવે છે. ચાઈનીઝ દોરીની સાથે સાથે આકાશ, ફાનસ, ચાઈનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
જેતપુરમાં પોલીસે થોડા દિવસ પહેલા જ વેપારીઓ પર પાડ્યા હતા દરોડા
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ રાજકોટના જેતપુરમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ પર પોલીસે દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન સિટી પોલીસે ચાઈનીઝ દોરીની 95 ફીરકી ઝડપી પાડી હતી. અલગ અલગ જગ્યાએથી ચાઈનીઝ દોરીની ફીરકી ઝડપાઈ હતી. રાજકોટ સિટી પોલીસે 6 વેપારીઓની ચાઈનીઝ દોરીના જથ્થા સાથે અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસે 29,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી હતી.