રાજકોટના પ્રસિદ્ધી ભૂખ્યા નેતાઓ ફોટો સેશન પુરતા તાયફાઓ કરતા હોય છે. રાષ્ટ્રીય સ્તરેથી થતા કાર્યક્રમો માટે દેખાવો કરી ફોટાઓ પડાવીને આ નેતાઓ ગાયબ થઈ જતા હોય છે અને પછી કાર્યક્રમો કાગળ ઉપર ચાલતા રહેછે. આજે ગાંધી જયંતિએ નેતાઓને સફાઈ અભિયાનમાં જોડાવા ચાનક ચડી હતી
જેમાં સાંસદ રૂપાલા તેમજ અન્યોએ ફોટા પડાવવા પુરતા સાવરણા પકડી ગાંધી મ્યૂઝીયમ પાસે રસ્તા ઉપર ફોટા પડાવીને ચાલતી પકડી હતી. રાજકોટમાં જયુબિલી બાગમાં આવેલી ગાંધીજીની પ્રતિમા નજીક જાહેર રોડ ઉપર પાસે સફાઈ માટે આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સાંસદ રૂપાલા, મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ,સેનિટેશન સમિતિના ચેરમેન નિલેશ જલુ વિગેરે હાજર હતા અને દેખાવ પુરતા સાવરણા પકડી ફોટા આ તમામે પડાવ્યા હતા. સ્વચ્છ રસ્તા ઉપર સાવરણા ફેરવીને સાંસદ રૂપાલાએ સ્વચ્છતા અભિયાનમાં પોતાનું પ્રદાન આપ્યું હતું. ફોટા પડી ગયા બાદ નેતાઓ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા.
સાંસદ બન્યા પછી લોકોના પ્રશ્નો માટે રૂપાલા દેખાતા નથી
રૂપાલા રાજકોટના સાંસદ છે પરંતુ પૂરા દેશમાં જીવલેણ ખાડામા રાજકોટ મોખરે હોવા છતા તેણે રોડ રિપેરીંગમા કોઈ અવાજ ઉઠાવ્યો નથી. અગ્નિકાંડમાં પણ મોડે મોડે આવેલા રૂપાલા સાંસદ બન્યા પછી રાજકોટના પ્રશ્નોમાં જવલ્લે જ દેખાય છે.