રાજકોટનું હીરાસર એરપોર્ટ ફરી વિવાદમાં આવ્યું છે. જેમાં ઇન્ટરનેશનલ એરપોર્ટના CCTV કેમેરા બંધ જોવા મળ્યા છે.બે દિવસથી 80 જેટલા CCTV કેમેરા બંધ છે. સમગ્ર બાબતની ઉડ્ડયન મંત્રાલયને જાણ કરાઇ છે. તપાસ માટે એક કમિટી રાજકોટ આવશે. તેમજ તપાસ બાદ કસૂરવાર વિરુદ્ધ પગલાં ભરાશે.
બે દિવસ સુધી ઈન્ટરનેશનલ એરપોર્ટના 80 જેટલા સીસીટીવી કેમેરા બંધ
હીરસાર ઈન્ટરનેશનલ ફરી વિવાદમાં આવ્યું છે. જેમાં બે દિવસ સુધી ઈન્ટરનેશનલ એરપોર્ટના 80 જેટલા સીસીટીવી કેમેરા બંધ છે તેમ સુત્રોએ જણાવ્યું છે. તેમાં ટેકનિકલ કારણોસર કેમેરા બંધ રહ્યા છે. સમગ્ર મામલાની જાણ કેન્દ્રીય ઉડ્યન મંત્રાલય સુધી કરવામાં આવી છે. તપાસ માટે એક કમિટી રાજકોટ આવશે તેમજ તપાસના અંતે કસૂરવાર વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. એરપોર્ટ ડિરેક્ટર દિગંત બહોરા દ્વારા મીડિયાના ફોન ઉઠાવવાનું બંધ કર્યું છે.
હીરાસર એરપોર્ટ પરના નબળા બાંધકામની પોલ ખુલી
અગાઉ રાજકોટમાં ચોમાસાની શરુઆતમાં હીરાસર એરપોર્ટ પરના નબળા બાંધકામની પોલ ખુલી હતી. રાજકોટના હીરાસર એરપોર્ટ પર મોટી દુર્ધટના ટળી હતી. એરપોર્ટ પર આવેલી કેનોપી અચાનક તૂટી પડી હતી. જો કે સદનસીબે પેસેન્જર પેસેજમાં કોઈ પેસેન્જર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. મળતી માહિતી પ્રમાણે આ કેનોપી પ્લાસ્ટિકની બની હતી. ઘટના બનતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટીએ કાટમાળ દૂર કરવાની કામગીરી કરી હતી. અગાઉ પણ એરપોર્ટમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું સામે આવ્યુ હતુ. જેમાં મુસાફરોને બેસવા માટે યોગ્ય સુવિધા ન હોવી. તેમજ ટોયલેટ બ્લોકમાં પાણી ન હોવુ સહિતના વિવાદ સામે આવ્યા હતા. ચોમાસાની શરુઆતમાં જ પ્રકારની દિલ્લી જેવા દ્રશ્યો સર્જાતા તંત્ર પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા.