રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુસાફરના વેશમાં અન્ય મુસાફરો સાથે મિત્રતા કેળવીને તેમને ઘેનની દવા વાળું બિસ્કીટ ખવડાવી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ ચોરી કરનારા હિસ્ટ્રી શીટર 45 વર્ષીય મહેન્દ્રસિંહ હરુભા ઉર્ફે હરિસિંહ ચુડાસમા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી ધરાવે છે ગુનાહિત ઈતિહાસ
તમને જણાવી દઈએ કે આરોપી વિરુદ્ધ અગાઉ રાજકોટ શહેરમાં 2 ગુના, રાજકોટ જિલ્લામાં એક ગુનો, સુરત શહેરમાં બે અને કચ્છમાં એક ગુનો દાખલ થઈ ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં 10થી વધારે ગુનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું અને માત્ર વર્ષ 2023માં રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ 3 લાખથી પણ વધુની ચોરી કરી હોવાનું જણાવ્યું છે.
ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ રાહેથી બાતમી મળી હતી કે બસમાં મુસાફરી દરમિયાન અન્ય મુસાફરો સાથે પરિચય કેળવીને બિસ્કીટમાં નશીલી દવા ભેળવીને બેભાન કરનાર વ્યક્તિ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવનાર છે. જે બાબતે મહેન્દ્રસિંહ હરૂભા ઉર્ફે હરિસિંહની ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી પોલીસે રોકડ, ઊંઘની ગોળી TEXINA – 2 TABLET, લેપટોપ બેગ, કપડાની જોડી, બિસ્કીટ નું પેકેટ, મોબાઈલ ફોન સહિત કુલ 10000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આરોપી હંમેશા પોતાની સાથે ક્રીમવાળા બિસ્કીટ રાખતો
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી દ્વારા કેટલાક મુસાફરોને ઊંઘની ગોળીનો ઓવરડોઝ આપી દેવામાં આવતો હતો. જેના કારણે તેઓ કોઈ વાર 48 કલાકે તો ક્યારેક 72 કલાકની આસપાસ ભાનમાં આવતા હતા. આરોપીની પૂછપરછમાં તે હંમેશા પોતાની સાથે ક્રીમવાળા બિસ્કીટ રાખતો હતો. જેથી પોતાની પાસે રહેલી ટેબલેટની પેસ્ટ બનાવી તે ક્રીમના ભાગમાં કોઈ આસાનીથી જોઈ ન શકે તે પ્રકારે ગોઠવી દેતો હતો તો પોતાની સાથે વેફર્સનું પેકેટ પણ અચૂક રાખતો હોવાનું જણાવ્યું છે.
આરોપી બોટાદના બરવાળા તાલુકાનો વતની
આરોપી મૂળ બોટાદના બરવાળા તાલુકાનો વતની છે અને છેલ્લા કેટલાય વખતથી ખેડા જિલ્લાના ડાકોર ખાતે રહેતો હોવાનું જણાવ્યું છે. આરોપી ખાસ કરીને રાજકોટ-ભુજ, રાજકોટ-અમદાવાદ અને રાજકોટ-સુરત સહિતના રૂટ ઉપર રાતના સમયે સ્લીપર કોચ બસમાં અન્ય સાથી મુસાફરોને પોતાનો શિકાર બનાવતો હતો.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ અંગે તપાસ કરતાં વર્ષ 1997માં નયન પ્રવીણચંદ્ર કનૈયા ઉર્ફે કમલેશ મુંબઈ વાળા સાથે રેલવેમાં મુસાફરી કરનારા પેસેન્જરને બિસ્કીટમાં ઘેનની દવા નાખીને બેભાન કરી પેસેન્જરના સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી અને વડોદરા રેલવે પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હોવાની કબુલાત કરી હતી.