Rajkot People tie radium belt to cattle : ગુજરાતના દ્વારકા નજીક હાઈ-વે પર શનિવારે (28 સપ્ટેમ્બર) એકાએક ગૌવંશ રસ્તાની વચ્ચે આવી જતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જોકે, ફરીથી આવી કોઈ ઘટના ન બને તે માટે રાજકોટમાં હિન્દુ સેના તથા ગૌરક્ષાદળ અને ગૌરક્ષકો દ્વારા આવા અકસ્માતને રોકવા માટે પ્રયાસ હાથ ધરાયો છે. જેઓ રાજકોટ અને શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારો સહિત દ્વારકા સુધીના હાઈ-વે પર ગૌવંશને રેડિયમ બેલ્ટ બાંધવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે રાત્રે અચાનક પશુ આડા આવી જવાના કારણે થતાં અકસ્માતને અટકાવી શકાય અને ગૌવંશને પણ અકસ્માતમાં કચડાવવાથી અટકાવી શકાય.
ગૌવંશના આડે આવતા સાત લોકોએ જીવ ગુમાવ્યો
ગત શનિવારે (28 સપ્ટેમ્બર) દ્વારકા નજીક હાઈ-વે પર એક ગૌવંશ એકાએક રસ્તાની વચ્ચે આવી જતાં ખાનગી બસ, બે કાર અને કાર તથા ટુ-વ્હીલર વચ્ચે ભારે અકસ્માત સર્જાયો હતો. જેના કારણે 7 વ્યક્તિઓના મોત નિપજ્યા હતાં. આ ઘટનાને ધ્યાને લઈ ફરી આવી ઘટનાથી લોકોના મોત ન થાય તે માટે ગૌવંશને રેડિયમ બેલ્ટ બાંધવામાં આવી રહ્યાં છે. જેના કારણે હાઈ-વે પર વાહન ચાલકોને દૂરથી ગૌવંશ નજરે ચઢે અને અકસ્માત થતો અટકાવી શકાય.
આ પણ વાંચોઃ દ્વારકા નજીક ચાર વાહનો વચ્ચે થયો ભયંકર અકસ્માત, 7ના મોત, 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત
ગૌરક્ષા સાથે માનવરક્ષાનું લક્ષ્ય
રાજકોટમાં ગૌરક્ષા સાથે માનવરક્ષાનું આ લક્ષ્ય સાર્થક થાય તે માટે 35 યુવાનો દ્વારા આ ઝુંબેશ ચલાવાવમાં આવી રહી છે. રાજકોટ હિન્દુ સેના ગૌરક્ષા પ્રમુખ કાનાભાઈ ચાવડીયા અને તેમની ટીમ અભયસિંહ, રાહુલ તથા હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટની રાહબરી હેઠળ 2 હજારથી વધુ ગૌવંશને રેડીયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતાં.