રાજકોટના આંગણે સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગર સાથે રવિવારથી રાષ્ટ્રીય કક્ષાની શાળાકીય તરણ સ્પર્ધાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે તરવૈયાઓને 4 વર્ષથી બંધ ભગવતી પરાના બંધ શહીદ રાજ્યગુરુ આવાસના ક્વાર્ટ્સમાં ઉતારો આપવામાં આવ્યો છે. જ્યા ખેલાડીઓને પીવાના પાણીથી માંડી વોશરૂમ જવા માટે ફાંફા પડી રહ્યા છે.
સુવિભા આપવાના બદલે તંત્રએ ગાદલા નાખી દઈ ઘોર બેદરકારી દાખવી હોવાનું જાણવા મળ્યું છે.રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાની અંડર 14, 17 અને 19 સ્વિમિંગ કોમ્પિટિશન આજથી શરૂ થશે. પરંતુ દેશના ખૂણે-ખૂણેથી સ્પર્ધામાં ભાગ લેવા આવતા તરવૈયા અને કોચ તેમજ મેનેજર વ્યવસ્થા જોઈને ચોંકી ઉઠયા હતા. અગાઉથી જાણ હોવા છતા રમત-ગમત અધિકારી રજા પર ઉતરી જતા અન્યને ચાર્જ આપ્યા બાદ એકાએક આ ખેલાડીઓને ભગવતીપરામાં ચાર વર્ષથી બંધ આવાસમાં ઉતારો આપ્યો હતો. તો અધિકારી તેમજ રેફરીઓને હોટલમાં ઉતારો આપતા ભેદભાવની નીતિ જોવા મળી હતી. આવાસમાં ઉતારો આપવાનું નક્કી થતા જ ચાર્જમાં રહેલા મોરબીના કોચ રવી ચૌહાણ સહિતની ટીમ તાત્કાલીક ધોરણે આવાસની સાફ-સફાઇ કરવા માટે દોડયા હતા. પરંતુ રેપોર્ટિંગના દિવસ સુધી આ કામગીરી પૂર્ણ ન થતા અન્ય રાજ્યોમાંથી આવેલા ખેલાડી અને કોચ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. આવાસમાં અનેક ફ્લેટમાં પાણી ચડયુ ન હતુ તો સુવા માટે ગાદલા-તકીયાની વ્યવસ્થા કરાઈ હતી. જેના કારણે રાજકોટમાં નેશનલ લેવલની કોમ્પિટીશન તો થઈ પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે બહારથી આવેલા સ્પર્ધકો અને કોચ સામે આબરૂ ધૂળધાણી થઈ ગઈ હતી.