રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામને લઈને ડિમોલિશન હાથ ધરવામાં આવી શકે છે. પૂર્વ શહેર પ્રમુખ કમલેશ મીરાણીની ઓફિસ જ્યા આવી છે તે કોમ્પલેક્ષ ઉપર બુલડોઝર ફરી શકે છે. માર્જીન વગર સૂચિત જગ્યા પર બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું. સાધુ વાસવાણી રોડ પર આવેલ ઓફિસ વિવાદમાં આવી હતી. હાલ ઓફિસ ખાલી કરવાની કામગીરી થઈ રહી છે.
રાજકોટમાં વિરોધ વચ્ચે ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યા
રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર એકાદ મહિના અગાઉ જનતા રેડ કરવામાં આવી હતી. જેમાં સુવર્ણભુમી સહિતની સોસાયટીના સ્થાનિક લોકોએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. સમગ્ર મામલે સ્ટેન્ડિંગ ચેરમેનને રજૂઆત કરવામાં આવતા તેમણે તરત જ સ્થળ મુલાકાત લઇ અહીં બુટલેગરોનાં ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે ખાતરી આપી હતી. જે અંગર્ગત આજે RMC દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા બુલડોઝર મોકલાયા હતા. જો કે, સ્થાનિકોએ વિરોધ કરી ઉચ્ચ અધિકારીઓ સાથે વાત ચાલુ હોવાનું જણાવી ડિમોલિશન કામગીરી અટકાવી હતી. જોકે, કામગીરી અટકાવતા પૂર્વ MLA સિદ્ધાર્થ પરમાર સહિતનાની અટકાયત કરાઈ હતી. જે બાદ રાજકોટ મનપા દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
કાયદેસર મકાન હોવા છતાં કાર્યવાહી કર્યાનો સ્થાનિકોનો આક્ષેપ
પ્રાપ્ત વિગત મુજબ સવારે 8:30 કલાકે બુલડોઝર ફેરવવામાં આવનાર હતું. જોકે મનપાની ટીમો દોઢ કલાક મોડી એટલે કે 10 વાગ્યા આસપાસ પહોંચી હતી. અને પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત સાથે શ્રીનાથજી સોસાયટીમાં આવેલા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવીને તેને તોડી પાડવાનો પ્રયાસ કરાયો હતો. અગાઉથી નોટિસ પણ અપાઈ હોવાથી સ્થાનિકોએ પોતાના ઘરનો સામાન પણ પહેલાથી જ બહાર મૂકી દીધો હતો. જોકે આ મકાનો કાયદેસર હોવા છતાં તંત્ર દ્વારા ટીપીમાં ફેરફાર કરી તેના મકાનો દૂર કરવામાં આવ્યા હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો હતો. અને આ ડીમોલેશન અટકાવવાની ફરજ પડી હતી.
અમે જે પુરાવા રજૂ કર્યા તે બધા ફેંકી દીધા છે: રાજીબેન ભરવાડ
આ વિસ્તારમાં રહેતા રાજીબેન પોપટભાઈ ભરવાડ નામની મહિલાએ જણાવ્યું હતું કે, અમારા મકાનો સર્વે નંબર 197માં છે અને અમને 196ની નોટિસ આપવામાં આવી છે. ત્રણ વખત નોટિસ અપાઇ છે. અને ગઇકાલે જણાવ્યું હતું કે, તમે મકાન ખાલી કરી નાખો અમે આવતીકાલે તમારા મકાનો પાડી નાખીશું. અમે તેમને કહ્યું કે, જ્યાંથી તમારો રોડ નીકળતો હોય તેટલું પાડી નાખો. તો તેમણે કહ્યું કે, સાહેબની સૂચના છે કે, આખું પાડી નાખવાનું છે. અમે જે પુરાવા રજૂ કર્યા તે બધા ફેંકી દીધા છે. 25 વર્ષ પહેલાંનાં અમારા લખાણ, નકશા અને પુરાવા અમાન્ય ગણવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ટીપી બદલાવી દેવામાં આવી છે.