ગિરનાર ઉપર વરસાદને લઈને ગઈકાલે જુનાગઢ શહેરમાં જે તબાહી મચાવી હતી, તે વરસાદને લઈને થયેલી નુકસાનીનો સર્વે મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સર્વે શરૂ
ગિરનાર ઉપર ગઈકાલે છ ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો, જેને લઈને ભવનાથ વિસ્તાર જળબંબાકાર બની ચૂક્યો હતો અને શહેરમાં પણ ઘણા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. તેને લઈને સોસાયટીઓમાં રહેતા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. ગઈકાલે મેઘ તાંડવમાં થયેલી તબાહી બાદ આજે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ભવનાથ વિસ્તારનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
વોકળાની સફાઈ કરવા માટે કલેકટર અને વન વિભાગના અધિકારી સાથે વાત કરવામાં આવી
આજ સવારથી જ કમિશનર ઓમપ્રકાશ દ્વારા તમામ શાખા અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને તેમને સાથે રાખીને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ ભારતી આશ્રમ પાસેથી પસાર થતો વોકળા વન વિભાગમાં આવે છે, ત્યારે આ વોકળા સફાઈ કરવા માટે કલેકટર અને વન વિભાગના અધિકારી સાથે વાત કરવામાં આવી છે અને રજૂઆત કરવામાં આવી છે.
તમામ રસ્તાઓનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરાશે
ગઈકાલે જે પરિસ્થિતિનું નિર્માણ ભવનાથ વિસ્તારમાં થયું હતું તે આ વોકળાને કારણે થયું હતું, આ વોકળાની સફાઈ કરવામાં આવી નહતી, જેને કારણે પ્રેશર વધતા પાણી બહાર આવ્યું હતું અને રસ્તા ઉપર ફરી વળ્યું હતું, જેને કારણે ભવનાથ જળમગ્ન બન્યું હતું. ગઈકાલે ભવનાથમાં થયેલી પરિસ્થિતિનો આજે મહાનગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે અને સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ તમામ રસ્તાઓનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે.
જૂનાગઢમાં પાણીમાં કાર તણાઈ
જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં ગાડી પાણીમાં તણાઈ હોવાના સીસીટીવી સામે આવ્યા છે. ભારતી આશ્રમ પાસે કાર તણાઈ હતી અને પાણીનો ધસમસતો પ્રવાહ સીસીટીવીમાં કેદ થયો છે. જો કે સદનસીબે પાર્ક કરેલી કાર તણાતા કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભવનાથ વિસ્તારમાં વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું અને માત્ર એકથી દોઢ કલાકના વરસાદે ભારે તબાહી સર્જી હતી, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.