અમદાવાદમાં 24 નવેમ્બર 2024ના રોજ ગોતામાં અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં બે સાયકલ સવાર કે જેઓ સાયકલિંગ કરવા નીકળ્યા હતા અને તેમને ઠોકર મારી નબીરો ફરાર થઈ ગયો હતો,ત્યારે આ નબીરાને અમદાવાદ એલસીબી ઝોન-1એ ઝડપી પાડયો છે.દારૂ પીધેલી હાલતમાં નબીરાએ અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે.આરોપીને ઝડપીને પોલીસે તપાસ શરૂ કરી છે અને ગુના હેઠળ કારને પણ જપ્ત કરી છે.
દારૂ પીધેલી હાલતમાં અકસ્માત કર્યાનો ખુલાસો
પોલીસે ધરપકડ કરી અને તેમાં આરોપી પરમ વોરાએ જણાવ્યું કે તેણે દારૂની પાર્ટી કરી હતી અને ત્યારબાદ અકસ્માત સર્જયો હતો,દારૂની પાર્ટી પતાવીને પરમ ઘરે જઈ રહ્યો હતો અને કાર બેકાબુ કરીને તેણે બે લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા.પોલીસને સીસીટીવી પણ મળ્યા છે જેમાં દારૂ પાર્ટી પતાવીને ચાર લોકો ફલેટની બહાર નીકળી રહ્યાં છે,આરોપી પરમ ગાડી સર્વિસ સેન્ટર પર મુકી ઉદેયપુર ભાગી ગયો હતો અને 100થી વધુ CCTVની મદદથી આરોપી ઝડપ્યો છે,દારૂની પાર્ટી અંગે ફરિયાદ મુદ્દે તપાસ બાદ નિર્ણય લેવાશે.
6 સપ્ટેમ્બર 2024ના રોજ પણ એસજી હાઈવે પર બની અકસ્માતની ઘટના
એક્સિડન્ટ ઝોન બની રહેલા એસજી હાઇવેના સર્વિસ રોડ પર કારચાલકે ટુ વ્હીલરને અડફેટે લીધા બાદ રોકાવાને બદલે ભાગવા લાગ્યો હતો. ટુ વ્હીલર ચાલકે તેનો પીછો કરતાં કારચાલકે ફરીથી પ્રહલાદનગર નજીક તેને ટક્કર મારી ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત ટુ વ્હીલર ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી પોલીસે કારચાલકને ઝડપી લેવા કવયાત શરૂ કરી હતી.અમદાવાદના એસજી હાઈવેને કાર ચાલકો પ્લેનનો રન-વે સમજીને ચલાવતા હોય છે પરંતુ કયારેક આ પ્રકારની સ્પીડ જીવલેણ સાબિત થતી હોય છે.
16 સપ્ટેમ્બર 2024ના રોજ પણ એસજી હાઈવે પર બની અકસ્માતની ઘટના
અમદાવાદ ગોતા બ્રિજ નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં ટુ વ્હીલર ચાલક પુત્રી અને તેમની માતા કે જેઓ એસજી હાઈવે તરફથી વેજલપુર તરફ જઈ રહ્યાં હતા ત્યારે ફુલ સ્પીડમાં આવી રહેલી કારે આ વાહનને ટક્કર મારતા માતા અને પુત્રી બન્ને વાહન પરથી નીચે પડયા હતા,જેમાં માતા અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી,માતાને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા તેમણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા.સાથે વાહન પર બાળક હતુ તેને પણ મોંઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
હિટ એન્ડ રન કાયદો શું છે
હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.