– જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદથી નદીઓ બે કાંઠે વહેતા
– 143 હેક્ટરમાં બની રહેલી ઔદ્યોગિક વસાહતમાં 650 પ્લોટ માટે આગામી સમયમાં અરજીઓ મંગાવાય તેવી શક્યતા : પાણીના નિકાલનો પ્રશ્ન ઉકેલાવો આવશ્યક
જાણકાર સૂત્રો દ્વારા પ્રાપ્ય વિગત અનુસાર ભાવનગર-અમદાવાદ વાયા ધોલેરા શોર્ટ રૂટ પર હાલ માઢિયા ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ વિકસાવાઈ રહી છે. કુલ ૧૪૩ હેક્ટરમાં ફેલાયેલ આ ઔદ્યોગિક વસાહતમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ૫૦૦ ચો.મી.થી લઈને ૫૦૦૦ ચો.મી. સુધીના અંદાજે ૬૫૦ જેટલા પ્લોટ પાડવામાં આવી રહ્યા છે. વસાહતમાં રસ્તાઓનું માળખું તૈયાર થઈ રહ્યું છે. આગામી દિવસોમાં વરસાદી પાણીની નિકાલ માટેની વ્યવસ્થા આકાર લેશે. પરંતુ હજુ તેના અભાવે તાજેતરમાં વલ્લભીપુર અને ઉમરાળા તાલુકામાં વરસાદ પડયો અને ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો તેના કારણે કાળુભાર, ઘેલો સહિતની નદીઓ બે કાંઠે વહેતા પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો હતો. જેના કારણે માઢિયા ગામ અને સૂચિત માઢિયા જીઆઈડીસીમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે. જેના કારણે માઢિયા ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
હવે આગામી સમયમાં માઢિયા જીઆઈડીસી માટે પ્લોટની ફાળવણી માટે અરજીઓ મંગાવવામાં આવે તેવી શક્યતા છે ત્યારે ગામ અને જીઆઈડીસી બન્નેમાં પાણી નિકાલનો પ્રશ્ન યોગ્ય રીતે ઉકેલાય તેવી લોક માગણી પ્રવર્તી રહી છે.