મહાકુંભમાં દેશદુનિયાના શ્રદ્ધાળુઓ સંગમનગરી ખાતે ઊમટી પડશે. આ દરમિયાન દેશનાં અન્ય રાજ્યોના કે વિદેશોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ બીમાર પડે તો તેમને ભાષાની સમસ્યા ન નડે તેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આવા શ્રદ્ધાળુઓ એઆઇ ટ્રાન્સલેટર એપની મદદથી ડોક્ટરોને પોતાની ભાષામાં પોતાની બીમારીની સમસ્યા જણાવી શકશે.
એપ તેમના દ્વારા બોલાયેલી ભાષાનો હિંદી કે અંગ્રેજીમાં અનુવાદ કરશે. દેશમાં પહેલી વાર છાવણીમાં સામાન્ય હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં તેનો ઉપયોગ થશે. એઆઇ ટ્રાન્સલેટર એપમાં દેશની 22 અને વિદેશની 19 ભાષાઓ છે.આ એપમાં તામિલ, તેલુગુ, મલયાલમ, બંગાળી સહિત અન્ય રાજ્યોની ભાષાઓ છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં અંગ્રેજી, અરબી, ફ્રેન્ચ સહિત 19 ભાષાઓ છે. દેશવિદેશમાંથી આવેલા શ્રદ્ધાળુઓને બીમારીમાં સારવારની સારી સગવડ પૂરી પાડવા માટે છાવણી હોસ્પિટલમાં હાજર તમામ ડોક્ટરોના મોબાઇલ ફોનમાં આ એપ ઇન્સ્ટોલ કરાવવામાં આવશે. જ્યારે દરદીઓના બેડની બાજુમાં માઇક લગાડેલું હશે. તે પોતાની ભાષામાં ડોક્ટર સાથે સંવાદ કરી શકશે અને ડોક્ટર જે બોલશે તે દરદીને તેની પોતાની ભાષામાં સમજાશે.
મેળાના દરેક ક્ષેત્રમાં 30 બેડનો આઇસીયુ વોર્ડ હશે
મહાકુંભને ધ્યાનમાં રાખીને મેળાના દરેક ક્ષેત્રમાં પહેલી વાર 30 બેડના આઇસીયુની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમાં સેન્ટ્રલ હોસ્પિટલ અને અરૈલની બધી હોસ્પિટલમાં 10-10 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ઝૂંસીની બધી હોસ્પિટલમાં રાયબરેલી એમ્સ 10 બેડ આઇસીયુ સુવિધા આપશે. છાવણી સામાન્ય હોસ્પિટલ એઆઇ કેમેરાથી સજ્જ હશે. આ કેમેરા દ્વારા લખનઉના વરિષ્ઠ ડોક્ટર્સ દરદીઓની દેખરેખ રાખશે. દરદીઓની તબિયત બગડવાની સ્થિતિમાં એઆઇ કેમેરાની મદદથી એની જાતે જ ડોક્ટરો પાસે ત્વરિત સૂચના પહોંચી જશે.