પ્રાંતિજ તાલુકાના મજરાથી તલોદ જતા રોડ પર આવેલા દલાની મુવાડી નજીક બે દિવસ અગાઉ તલોદના એક વેપારીને અકસ્માત નડ્યા બાદ તેની પાસેથી અંદાજે રૂપિયા 1.50 કરોડની ચોરી થયાની ફરીયાદ મંગળવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
પોલીસે 24 કલાકની અંદર ફરિયાદી બનેલા આરોપી અને તેના મિત્રની અટકાયત કરી
ત્યારે ફરિયાદ બાદ જિલ્લાના પોલીસ તંત્રએ સ્થળ નિરીક્ષણ કરીને ફરીયાદ નોંધાવનારની કડક પુછપરછ કરતાં તેણે પોતાના મિત્રને સાથે રાખીને લૂંટ થઈ હોવાનું તરકટ રચ્યું હોવાનો ઘટસ્ફોટ બાદ પોલીસે 24 કલાકની અંદર ફરિયાદી બનેલા આરોપી અને તેના મિત્રની અટકાયત કરી, તેના ખેતરમાં આવેલી ઓરડીમાં છુપાવી દીધેલા 1.50 કરોડની રોકડ કબ્જે કરી લીધી છે.
પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવ્યા બાદ ફરિયાદી આરોપીનો પરસેવો છુટી ગયો
આ અંગે જિલ્લા પોલીસ વડા વિજય પટેલના જણાવ્યા મુજબ, દલપુર પાસે બનેલી રૂપિયા 1.50 કરોડની ચોરીની ઘટના બાદ એલસીબી, એસઓજી સહિત પ્રાંતિજ પોલીસને સાથે રાખીને શરૂઆતના તબક્કામાં ફરીયાદ કરનાર અશ્વિન પટેલને સાથે લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતુ. જ્યાં ઘટના અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવ્યા બાદ ફરીયાદ કરનાર અશ્વિન પટેલને પરસેવો છુટી ગયો હતો.
પોલીસે આ સમગ્ર કેસ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી
ત્યારબાદ પોલીસ સમક્ષ તેણે રૂપિયા 1.50 કરોડની ચોરી થઈ હોવાનું તરકટ રચ્યુ હોવાની કબુલાત કરી હતી. જો કે તેમાં અશ્વિનના એક મિત્રની પણ સંડોવણી હોવાનું કબુલ્યા બાદ પોલીસે બંનેની અટકાયત કરીને પોલીસ ફરીયાદ નોંધાયા બાદ ઘટતી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સંદેશ ન્યૂઝમાં સમગ્ર ઘટના દરમ્યાન ફરિયાદ કરનાર જ શંકાના દાયરામાં હોવાનું જણાવ્યું હતુ અને આખરે તે જ સાચં ઠર્યુ છે.