બજેટ પૂર્વે શેરબજારમાં પોઝિટિવ અન્ડરટોન

0

[ad_1]

  • ઈન્ટ્રા-ડે વોલેટિલિટી બાદ બજાર ગ્રીન ઝોનમાં બંધ રહેવામાં સફળ
  • બજારમાં વેચવાલીને પગલે મંગળવારે એશિયન બજારો નરમાઈ દર્શાવી
  • મંગળવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય સ્ટોક્સમાં એમએન્ડએમ ટોચ પર હતો

ઈન્ટ્રા-ડે વોલેટિલિટી બાદ બજાર ગ્રીન ઝોનમાં બંધ રહેવામાં સફળ : આઈટી અને ફાર્મામાં નરમાઈ

બજેટ અગાઉના સત્રમાં ભારતીય શેરબજારે બે બાજુની વધ-ઘટ દર્શાવ્યાં બાદ પોઝિટિવ બંધ આપવામાં સફળતા મેળવી હતી. વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક મંદી વચ્ચે ભારતીય બજારે આઉટપરફોર્મન્સ દર્શાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 49.49 પોઈન્ટ્સ વધી 59,549.90ની સપાટીએ જ્યારે નિફ્ટી-50 17,662.15ની સપાટીએ બંધ રહ્યાં હતાં. જોકે લાર્જ-કેપ્સમાં બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 41 અગાઉના બંધની સરખામણીમાં ઘટાડો સૂચવતાં હતાં. જ્યારે 9 કાઉન્ટર્સ જ પોઝિટિવ જોવા મળ્યાં હતાં. જોકે બ્રોડ માર્કેટમાં ઊંચી ખરીદી જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3,625 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2,377 પોઝિટિવ જોવા મળ્યાં હતાં. જ્યારે માત્ર 1,133 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. બીજી બાજુ 90 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 135 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5 ટકા ગગડી 16.87ની સપાટીએ બંધ રહ્યો હતો.

સોમવારે યુએસ બજારમાં વેચવાલીને પગલે મંગળવારે એશિયન બજારો નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જેની વચ્ચે ભારતીય બજારનું ઓપનિંગ પોઝિટિવ જોવા મળ્યું હતું. નિફ્ટી 17,648.95ના અગાઉના બંધ સામે 17,731.45ની સપાટીએ ખૂલી શરૂઆતી દોરમાં ઘટાડા તરફી બની રહ્યો હતો. લગભગ પ્રથમ એક કલાકના ટ્રેડિંગ બાદ તેણે 17,537.55નું ઈન્ટ્રા-ડે તળિયું બનાવ્યું હતું. જ્યાંથી તેમાં તબક્કાવાર સુધારો જોવા મળ્યો હતો અને કામકાજની આખરમાં તે 17,735.70ની દિવસની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે 17,700 પર બંધ રહેવામાં બીજા દિવસે નિષ્ફ્ળ રહ્યો હતો. કેશ નિફ્ટીની સરખામણીમાં નિફ્ટી ફ્યૂચર્સ 133 પોઈન્ટ્સ પ્રીમિયમ સાથે બંધ જોવા મળ્યો હતો. જે સૂચવે છે કે માર્કેટમાં લોંગ પોઝિશનમાં ઉમેરો થયો છે. સોમવારે નિફ્ટી ફ્યૂચર્સમાં 94 પોઈન્ટ્સનું પ્રીમિયમ જોવા મળતું હતું. ટેક્નિકલ એનાલિસ્ટ્સના મતે, જોકે બેન્ચમાર્ક માટે 17,800નો પ્રથમ અવરોધ છે. જે પાર થતાં 18,000નો અવરોધ જોવા મળી શકે છે. જ્યારે નીચે 17,450નો મહત્ત્વનો સપોર્ટ છે. બુધવારે બજેટના દિવસે માર્કેટમાં બે બાજુ ઊંચી વધ-ઘટની સંભાવના છે. જોકે માર્કેટ નજીકના સમયગાળામાં કોન્સોલિડેશનમાં જોવા મળે તેવી શક્યતા ઊંચી છે. જો બજેટ પોઝિટિવ બની રહેશે તો જ બજાર ટૂંકમાં 18 હજારની સપાટી પાર કરી શકશે તેમ માનવામાં આવે છે. જ્યારે નીચે 17,400ની નીચે જવાની શક્યતા પણ ઓછી છે. મંગળવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય સ્ટોક્સમાં એમએન્ડએમ ટોચ પર હતો. કંપનીનો શેર 3.54 ટકા ઊછળી સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઈ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટ્સ, બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, હીરો મોટોકોર્પનો સમાવેશ થતો હતો. બીજી બાજુ બજાજ ફઈનાન્સ, ટીસીએસ,ટેક મહિન્દ્રા, બ્રિટાનિયા, સન ફાર્મા, સિપ્લા, એચડીએફ્સી લાઈફ્, ડિવિઝ લેબ્સ અને એશિયન પેઈન્ટ્સમાં વેચવાલી જોવા મળી હતી.

મંગળવારે બજારને સપોર્ટ આપવામાં ઓટો, મેટલ, એનર્જી અને પીએસઈ સેક્ટર્સ મુખ્ય હતાં. નિફ્ટી ઓટો 1.9 ટકા ઊછળ્યો હતો. જેમાં અશોક લેલેન્ડ 3.4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એમએન્ડએમ, બોશ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, તાતા મોટર્સ, એમઆરએફ્ અને ભારત ફોર્જમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.71 ટકા ઊછળ્યો હતો. જેના ઘટકોમાં બીઈએલ 7 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ભેલ, આરઈસી, સેઈલ, પાવર ફઈનાન્સ, હિંદુસ્તાન એરોનોટિક્સ, બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, આઈઆરસીટીસી પણ નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *