ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં 31 ડિસેમ્બરને લઈ પોલીસ ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં 31 ડિસેમ્બરને લઈ એસ.ઓ.જી પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી હોટેલોમાં એસ.ઓ.જી પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે.
પોલીસે હોટેલના રજિસ્ટર, CCTV કેમેરાની કરી તપાસ
31 ડિસેમ્બરને લઈ ભાવનગર એસ.ઓ.જી પોલીસ એલર્ટ થઈ છે અને શહેરના વાઘાવાડી રોડ, હિમાલિયા મોલ, રેલવે સ્ટેશન રોડ નજીક આવેલી હોટેલના રજિસ્ટર તેમજ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે. એસ.ઓ.જી પોલીસે વિવિધ વિસ્તારોમાં 31 ડિસેમ્બરને લઈ હોટલોમાં પણ ચેકિંગ હાથ ધર્યું છે.
અમદાવાદ પોલીસે પણ બનાવ્યો ખાસ એક્શન પ્લાન
તમને જણાવી દઈએ કે 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ રાજ્યભરની પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે અને અમદાવાદ પોલીસે પણ ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. અમદાવાદ શહેરમાં 6,000 જેટલા પોલીસકર્મી બંદોબસ્તમાં તૈનાત રહેશે. 500 બ્રેથ એનેલાઈઝર સાથે પોલીસકર્મી તૈનાત રહેશે. આ સિવાય પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ પર તપાસ કરવામાં આવશે અને સ્ટંટ કરનાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. લિસ્ટેડ બુટલેગરો સામે વધુ કેસ કરવા સૂચના અપાઈ છે. શહેરના CG રોડ, SG હાઈવે, સિંધુ ભવન રોડ પર બંદોબસ્ત તૈનાત રહેશે. પાર્ટી પ્લોટ, ક્લબના આયોજકો સાથે પોલીસે બેઠક કરી છે. ત્યારે મહિલા સુરક્ષા માટે SHE ટીમ પણ તૈનાત રહેશે. આ સિવાય સંવેદનશીલ વિસ્તારમાં પણ બંદોબસ્ત રખાશે.