PlayStation Outage: પ્લે સ્ટેશન દુનિયાભરમાં ગેમર્સ માટે ખૂબ જ લોકપ્રિય છે. સોનીનું પ્લે સ્ટેશન અને માઇક્રોસોફ્ટનું Xbox ગેમિંગની દુનિયામાં ખૂબ જ ફેમસ કન્સોલ છે. જો કે એમાં સૌથી મેજર કન્સોલ, પ્લે સ્ટેશનમાં ગ્લોબલ આઉટેજ જોવા મળ્યું હતું. દુનિયાભરના પ્લે સ્ટેશનના યુઝર્સને ગેમ રમવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી.
શું પડી હતી તકલીફ?
સોની પ્લે સ્ટેશન નેટવર્કમાં પ્રોબ્લેમ આવતાં ઓનલાઇન ગેમ રમવામાં તકલીફ પડી રહી હતી. પ્લે સ્ટેશન 4, પ્લે સ્ટેશન 5, પ્લે સ્ટેશન વિટા અને પ્લે સ્ટેશન 3 દરેક પ્લેટફૉર્મમાં આ ઇશ્યુ આવ્યો હતો. આ ઇશ્યુને કારણે યુઝરને ગેમ શરુ કરવા અને કોઈ ઍપ્લિકેશન શરુ કરવામાં તકલીફ પડી રહી હતી. આ સાથે જ સોની પ્લે સ્ટેશનના નેટવર્ક ફીચર સાથે સંકળાયેલી એક પણ સર્વિસ નહોતી ચાલી રહી.
યુઝરની ફરિયાદ
યુઝર્સ દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી હતી કે તેઓ જ્યારે ઓનલાઇન અન્ય પ્લેયર્સ સાથે ગેમ રમવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે એ નથી રમી શકતા. આ સાથે જ સિંગલ પ્લેયર પણ જ્યારે ઓનલાઇન ગેમ રમવા જઈ રહ્યો હતો ત્યારે એ પણ નથી રમી શકતો. પ્લે સ્ટેશન દ્વારા ઓનલાઇન ગેમ રમવા માટે પ્લે સ્ટેશન પ્લસ સબસ્ક્રિપ્શન લેવું પડે છે. આ માટે વધુ પૈસા ચૂકવવા છતાં, ગેમ રમવામાં મુશ્કેલી પડી રહી હતી.
એરર પર એરર
પ્લે સ્ટેશન નેટવર્કનું આ મેજર આઉટેજ હતું, જેના કારણે એરર પર એરર આવી રહી હતી. સોફ્ટવેર અપડેટ ફેઇલરથી લઈને ઓનલાઇન ફીચર્સની એરર અને અન્ય એરર કોડ સ્ક્રીન પર જોવા મળી રહ્યા હતા. ‘PS5 error code WS-116522-7’ આ પ્રકારની એરર પણ જોવા મળી રહી હતી.
શું કહ્યું સોનીએ?
સોનીએ તેમની સર્વિસમાં પ્રોબ્લેમ ચાલી રહ્યો છે એમ સ્વીકાર્યુ છે અને એના પર તાબડતોડ કામ ચાલી રહ્યું છે.
કોઈ કમિટમેન્ટ નહીં
સોનીએ આ પ્રોબ્લેમનું કારણ શું અને ક્યારે સોલ્વ થશે, એ માટે કોઈ કમેન્ટ નથી આપી. તેમણે અંતે આ પ્રોબ્લેમ જલ્દી જ સોલ્વ થશે એમ કહ્યું છે. તેથી, પ્રોબ્લેમ સોલ્વ થયો કે નહીં એ માટે યુઝર્સે રાહ જોવી પડશે. જોકે, ઓનલાઇન ફીચરનો ઉપયોગ ન કરતાં હોય તેવા યુઝર્સને ગેમ રમવામાં કોઈ તકલીફ નથી પડી રહી.