અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગ કરીને દર્દીઓની સારવાર કરી પૈસા પડાવી લીધાનું કૌભાંડ બહાર આવ્યા બાદ હવે આયુષ્યમાન કાર્ડમાં સારવાર માટે એપ્રુવલ ન આવતું હોવાથી ઈમરજન્સી દર્દીઓની મુશ્કેલી વધી રહી છે. આવી સંખ્યાબંધ ફરિયાદ બાદ સુરતના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને સમસ્યાનો હલ કરવા માટેની માંગણી કરી છે.
સીએમને પત્ર લખી કરી જાણ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં આર્થિક લાભ માટે ખોટા ઓપરેશન કરીને કૌભાંડ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે ભોગવવાનું પ્રજાએ પડી રહ્યું હોવાની સંખ્યાબંધ ફરિયાદ બહાર આવી રહી છે. સુરત વરાછા રોડ વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ સમસ્યાનો તાકીદે હલ કરવાની માંગણી કરી છે. પત્રમાં જણાવ્યું કે, ખ્યાતી હોસ્પિટલના કૌભાંડ પછી નવી એજન્સીની નિમણૂંક કરવામાં આવી છે. અને આરોગ્ય વિભાગ દ્વારા આ માટે S.O.P પણ જાહેર કરવામા આવી છે. પરંતુ હાલમાં કેટલાક લોકોની ફરિયાદ છે કે, તેમને એપ્રુવલ ન મળતું હોવાથી સારવારમાં મુશ્કેલી પડી રહી છે.
ઘણા લોકોને ઈમરજન્સી સારવારની જરૂર હોવા છતાં કાર્ડનું એપ્રુવલ મળતું નથી
સાચા દર્દીઓના તાત્કાલિક એપ્રુવલ મળવું જરૂરી છે. ઘણા દર્દીઓ છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલની પથારીએ કાર્ડના એપ્રુવલની રાહ જોઈને બેઠા છે. તેમાં એકસીડન્ટ કેસ પણ સામેલ છે,જેના ઈમરજન્સી ઓપરેશન કરવા જરૂરી હોવા છતાં તેમનું અપ્રુવલ મળતું નથી. જેથી તેના જીવનું જોખમ ઉભું થતું હોય છે. આ ગંભીર બાબત છે. સંખ્યાબંધ લોકોની આવી ફરિયાદ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરી નથી તો હવે શાસક પક્ષના ધારાસભ્યએ લોકોની વ્યથાને મુખ્યમંત્રી સમક્ષ પત્રથી રજૂ કરી છે ત્યારે તેનો નિકાલ ઝડપી આવે તો સંખ્યાબંધ દર્દીઓની મુશ્કેલીનો અંત આવી શકે છે.
ઓપરેશન અંગે એપ્રુલ મેળવવા મોકલી આપવામાં આવ્યું
કુમાર કાનાણીએ આયુષ્યમાન કાર્ડને લઈ થઈ રહેલી સમસ્યા અંગે લખેલા પત્ર બાદ ખરેખર આ પ્રકારની દર્દીઓની સમસ્યા છે કે નહીં તે જાણવા દર્દીઓના પરિવારજનોનો સંપર્ક કરીને જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે દર્દીના પરિવાર પાસેથી જાણવા મળ્યું હતું કે અઢીથી ત્રણ લાખ રૂપિયા સુધીના બાયપાસ સર્જરીના ઓપરેશન કરાવવા માટે દર્દીને દાખલ કરાયા છે. હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડમાં આ હાર્ટની સર્જરી કરી આપવા સંમત પણ થયા છે. ઓનલાઈન દર્દીના નામનું ઓપરેશન અંગે એપ્રુલ મેળવવા મોકલી આપવામાં આવ્યું છે.
દર્દીઓના પરિવારજનોને મળી રહી છે તકલીફ
પરંતુ પાંચ દિવસ થઈ જવા છતાં ગાંધીનગરથી દર્દીની સારવાર માટેનું આયુષ્યમાન કાર્ડમાં કોઈ જ પ્રકારનું એપ્રુવલ આપવામાં આવતું નથી. જેને લઇ હોસ્પિટલ દ્વારા પણ દર્દીઓની સારવાર કરવામાં આવતી નથી. દર્દીને ICU માં માત્ર દાખલ કરી રાખવામાં આવ્યા છે, સંદેશ ન્યુઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં દર્દીઓના પરિવારના સભ્યોએ પોતાની આપવીતી જણાવી હતી.આયુષ્યમાન કાર્ડ ના એપ્રુવલ ન મળવાને કારણે દર્દીના પરિવારજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.