રાજકોટની જસદણ સરકારી હોસ્પિટલમાં છેલ્લા આઠ માસથી ગાયનેક તથા સર્જનની જગ્યા ખાલી હોવાથી પ્રસુતિના દર્દી તેમજ ઓપરેશન માટે લોકો પરેશાન છેલ્લા આઠ મહિનાથી ડોક્ટર ન હોવાને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે ગાયનેક ડોક્ટર તેમજ સર્જન ડોક્ટરની નિમણૂંક થવા છતાં હાજર ન થતા લોકો પરેશાન થઈ રહ્યા છે.
અન્ય હોસ્પિટલમાં લોકો લઈ રહ્યાં છે સારવાર
જસદણ સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોકટર તેમજ સર્જનની તાત્કાલિક અસરથી નિમણૂંક કરવા માટે લેખીતમાં રૂબરૂ રજૂઆત કરી હતી સરકારી હોસ્પિટલ ની અંદર છેલ્લા આઠ મહિનાથી ગાયનેક વિભાગ અને સર્જરી વિભાગમાં ખુરશીઓ ધૂળ ખાઈ રહી છે તેમ જ ઓપરેશન થિયેટરો પણ ધુળ ખાઈ રહ્યા છે હોસ્પિટલમાં ગાયનેક દર્દીઓને સારવાર ન મળતા અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે.
દર્દીઓને નથી મળતી સુવિધા
જસદણ સરકારી હોસ્પિટલને બે વર્ષથી સબડિસ્ટ્રીક્ટ કક્ષાનો દરજ્જો મળ્યો હોવા છતાં છેલ્લા આઠ માસથી ગાયનેક ડોક્ટર તેમજ સર્જન ડોકટરની જગ્યા ખાલી હોવા છતાં રાજ્ય અને જીલ્લા આરોગ્ય વિભાગની ડોકટરોની નિમણુંક કરવામાં આવી નથી. ડોક્ટરોના અભાવે જસદણ શહેર તેમજ પંથકના ગરીબ દર્દીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો રહ્યો ત્યારે વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો હોસ્પિટલ જેવા મહત્વના પ્રશ્રે આંખ આડા કાન કેમ કરી રહ્યા છે ? એવો પ્રશ્ન જસદણ પંથકના દર્દીઓ અને શહેરીજનોમાં છે આઠ મહિના પૂર્વે જસદણ સરકારી હોસ્પિટલમાં ખૂબ સારી સારવાર અને સવલતો મળવા લાગતા પ્રસૂતિના કેસોમાં નોંધપાત્ર વધારો થવા લાગ્યો હતો.
ઓપરેશન પણ બંધ કરાયા
સિઝેરીયન દ્વારા પણ પ્રસૂતિ થતી હતી અને મોટા ઓપરેશનો પણ થતા હતા પરંતુ હાલ ડોકટરોના અભાવે જરૂરી સારવાર અને સર્જરી નહી થઈ શકતા ગરીબ દર્દીઓને અનેક પ્રકારની યાતનાઓ સહન કરવી પડી રહી છે સાથે આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી યથાવત રહી તો આગામી સમયમાં સબડિસ્ટ્રીક્ટ કક્ષાની જસદણ સરકારી હોસ્પિટલ માત્ર શોભાનું પ્રતિક બની રહેશે. સ્થાનિકો દ્વારા અનેકવાર દર્દીઓના પ્રશ્ને ચિંતાની લાગણી વ્યકત કરતા જસદણ સરકારી હોસ્પિટલમાં ઘટતા ડોકટરોની વહેલીતકે નિમણૂંક કરવા બાબતે ભારપૂર્વક રજૂઆત કરી હતી.