– માપસર વરસાદ બાદ મેઘરાજાએ છેલ્લે છેલ્લે બાજી બગાડીઃ
ખેડૂતો હાલ પાણી કાઢે છે,
પખવાડીયામાં પાક લેવાની તૈયારી કરતા ખેડૂતોની હાલત કફોડી
સુરત
મેઘરાજા
અંતિમ રાઉન્ડમાં દેમાર વરસી રહ્યા છે. બીજીબાજુ ખેતરોમાં ડાંગરનો પાક લેવાની
તૈયારીઓ શરૃ થઇ રહી છે. ત્યારે ભારે વરસાદના કારણે ડાંગરનો પાક જમીનદોેસ્ત થઇ
જવાની સાથે જ ખેતરોમાં પાણી ફરી વળતા ખેતીપાકને વ્યાપક નુકશાન થવાની ભીંતીથી
ખેડુતોની હાલત દયનીય બની છે. ખેડુતો હાલ ખેતરોમાંથી પાણી કાઢવાનો વારો આવી રહ્યો
છે.
સુરત શહેર
અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદના કારણે ખેડુતો
ચિંતિત થઇ ઉઠયા છે. કેમકે આ વખતે સમયસર વરસાદ વરસવાની સાથે જ સતત વરસાદ ચાલુ રહેતા
ચોમાસાની ઋતુમાં સૌથી વધુ લેવાતા ડાંગરના પાક માટે માફકસર વરસાદથી ખેડુતો ખુશ થઇ ઉઠયા
હતા કે આ વર્ષે તો ડાંગરના પાકનો સારો એવો ઉતારો આવશે.અને પખવાડિયામાં તો ડાંગરના પાકની
કાપણી કરવાની શરૃઆત કરવી પડે તેવી સ્થિતિ આવી ગઇ છે. આ સ્થિતિ વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી
વરસેલા વરસાદના કારણે ખેડુતોની બાજી બગાડી નાંખી છે.
હાલમાં
ઓલપાડ, ચોર્યાસી,
પલસાણા, બારડોલી સહિતના તાલુકામાં ખેડુતોની
હાલત દયનીય થઇ ગઇ છે. ઓલપાડના ઇશનપોર ગામના ખેડુત દિનેશ પટેલના જણાવ્યા મુજબ અમારા
ખેતરમાં આજે એવી હાલત થઇ છે કે ખેતરમાં વાવેતર ડાંગરના પાક વરસાદના કારણે
જમીનદોસ્ત થઇ ગયો છે. અને ખેતરની અંદર વરસાદી પાણી ભરાતા હાલતમાં મશીન મુકીને
ખેતરમાંથી પાણી બહાર કાઢવુ પડી રહ્યુ છે. આવી જ હાલત તમામ ડાંગરનો પાક લેનાર
ખેડુતોની થઇ રહી છે. આગામી દિવસોમાં વરસાદ બંધ થાય તેની ખેડુતો પ્રાર્થના કરી
રહ્યા છે.