Surat : સુરત સહિત ગુજરાતની તમામ સરકારી શાળામાં કાયમી સફાઈ કર્મચારીઓની નિમણુંક કરવામાં આવે અને એ નિમણૂક ન થાય ત્યાં સુધી શાળા-સફાઈ ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી વિપક્ષની માંગણી સાથે સુરત શિક્ષણ સમિતિ અને સુરત પાલિાકના વિરોધ પક્ષે ગાંધી જયંતિના એક દિવસ પહેલાં સરકારી શાળામાં સફાઈ અભિયાન કરી નવતર વિરોધ કર્યો છે.
સુરત શિક્ષણ સમિતિના વિપક્ષના સભ્ય રાકેશ હીરપરાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીબાપુની જન્મજયંતિ સમયે સ્વચ્છ ભારત મિશનને દસ વર્ષ પૂર્ણ થયા છે. આ યોજનામાં અબજો રૂપિયા વપરાય છે. આમ છતાં, ગુજરાતની સરકારી શાળાઓમાં શાળા-સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ આપવામાં આવતી નથી. શિક્ષણમંત્રીના પોતાના શહેર અને વિસ્તારમાં શાળાઓને સાફ-સફાઈ માટે માત્ર 2 થી 4 હજાર રૂપિયાની ગ્રાન્ટ દર મહિને આપવામાં આવે છે. આને કારણે બાળકોએ ગંદી જગ્યામાં ભણવું પડે છે અને મધ્યાહન ભોજન લેવું પડે છે.
જેના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ અને આરોગ્ય પર માઠી અસર થઈ શકે તેમ છે. તેથી સુરત સહિત ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં કાયમી સફાઈ કર્મચારીઓની નિમણુંક કરવામાં આવે અને એ નિમણુંક ન થાય ત્યાં સુધી શાળા-સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે. તેવી માંગણી કરવામાં આવી હતી. આ માંગણી સાથે ગાંધી જયંતિના એક દિવસ પહેલાં એટલે કે આજે શિક્ષણ મંત્રીના મત વિસ્તારમાં આવેલી શાળામાં વિપક્ષ દ્વારા સફાઈ અભિયાન કરીને રચનાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો.