વડોદરા, તા.29 સાવલીથી દુમાડ તરફ જતા હાઇવે પર દુમાડ નજીક પૂરપાટઝડપે જતા એક ભારદારી વાહને સ્કૂટર પર જતા વૃધ્ધ ખેડૂતને ટક્કર મારતાં ખેડૂતનું કરૃણ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ફરાર થયેલા વાહનની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે સાવલીમાં ઉડી ખડકીના મૂળ રહીશ રવિન્દ્ર છગનભાઇ પટેલ (ઉ.વ.૭૧) હાલ હરણી મોટનાથ મહાદેવરોડ પર સિધ્ધાર્થ લાઇફ સ્ટાઇલ ખાતે પુત્ર અને પત્ની સહિતના પરિવાર સાથે રહેતાં હતાં. તેમનો પુત્ર મટિરિયલ સપ્લાયનો ધંધો કરે છે જ્યારે રવિન્દ્રભાઇ જાતે સાવલી ખાતે ખેતી સંભાળતા હતાં. તેઓ સપ્તાહમાં બે-ત્રણ દિવસ વડોદરાથી સાવલી ખેતી માટે જતા હતાં.
ગઇકાલે તેઓ સ્કૂટર લઇને સાવલી ગયા બાદ સાંજે પાંચ વાગે તેમના પત્ની ફોન કરે તો રવિન્દ્રભાઇ ફોન રિસીવ કરતા ન હતા જેથી પત્નીએ પુત્ર નિરલને જાણ કરતા નિરલે પિતાને ફોન કર્યો ત્યારે અજાણી વ્યક્તિએ ફોન ઉપાડયો હતો અને સ્કૂટરચાલકને અકસ્માત થયો છે તેમ જણાવતા પરિવારના સભ્યો દુમાડ પાસે દોડી ગયા હતાં. ગંભીર ઇજાગ્રસ્ત રવિન્દ્રભાઇને એસએસજી હોસ્પિટલમાં લઇ જતાં ડોક્ટરે તેમનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
અકસ્માતના બનાવ અંગે મંજુસર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરતાં રવિન્દ્રભાઇ સ્કૂટર પર જતા હતા ત્યારે કોઇ ભારદારી વાહને પાછળથી ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતાં અને અકસ્માત બાદ ભારદારી વાહન લઇને ચાલક ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સીસીટીવી કેમેરાના સહારે અકસ્માત બાદ ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.