Vadodara Corporation : વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં પીવાના દૂષિત પાણીની સમસ્યા હજુ પણ યથાવત વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હજુ યથાવત રહી છે વોર્ડ નંબર 1માં દુષિત પાણીની ગંભીર સમસ્યા હોવા છતાં તંત્ર બેદરકાર રહ્યું હોવાનો આક્ષેપ કરીને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આ બાબતે તાત્કાલિક કામગીરી કરવા અને સમસ્યા હલ કરવામાં વિલંબ કેમ થયો તેનો લેખિત ખુલાસો પૂછીને અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
વોર્ડ નંબર એકના કોંગ્રેસના કોર્પોરેટર અને વિપક્ષના પૂર્વ નેતાના કહેવા મુજબ શહેરના નવાયાર્ડ વિસ્તારમાં કલાસવા નાળા (રસુલજીની ચાલ, ઝેવિયર નગર ) વગેરે સ્થળે દૂષિત પાણીની ફરિયાદના નિરાકરણમાં લગભગ 6 મહિના વિલંબ થયો છે. નવાયાર્ડમાં દુષિત પાણી મુદ્દે કોર્પોરેશનની જનરલ બોર્ડની મિટિંગમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે છેલ્લા 6-મહિનામાં આ મુદ્દે અનેક લેખિત અને મૌખિક ફરિયાદો આવી છે. છેક જૂન મહિનાથી આ વિસ્તારમાં દુષિત પાણી મળતું હોવાની ફરિયાદો કરવામાં આવી છે. ગયા જુલાઈ મહિનામાં દૂષિત પાણીનો ફોલ્ટ મળી ગયો હતો.