વડોદરામાં વેપારીઓેને નવરાત્રિ ભારે પડી છે. કારણ કે શહેરમાં પુરના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ચણિયાચોળીના વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
વરસાદના કારણે છેલ્લા બે મહિનાથી ધંધો ભાંગી પડ્યો છે: વેપારીઓ
આ અંગે વેપારી અગ્રણી અનિલ શાહે નિવેદન આપતા કહ્યું કે વેપારીઓને ગ્રાહકોની આશા હતી પણ રવિવારે જ પુર આવતા ગ્રાહકો આવ્યા નહીં. બીજી તરફ વરસાદના કારણે છેલ્લા બે મહિનાથી ધંધો ભાંગી પડ્યો છે. આ સાથે જ આ વર્ષે વિદેશથી, બહારગામથી આવતા લોકો પણ આવ્યા નથી જેના કારણે પણ નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં વિશ્વામિત્રી નદીનું પાણી સમગ્ર શહેર અને આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યું હતું અને લોકોને ભારે નુકસાન થયું હતું.
સરકાર વેપારીઓને યોગ્ય મદદ કરે તેવી આશા
વેપારીઓ કહી રહ્યા છે કે પહેલા ઘરમાં નુકસાન, વાહનોમાં નુકસાન અને હવે વેપારમાં નુકસાન થઈ રહ્યું છે. સરકાર વેપારીઓને સહાય કરે છે તે એક માત્ર મજાક છે. વેપારીઓ કહ્યું કે અમે વેરો, GST ભરીએ અને નુકસાન પણ અમે જ ભોગવીએ, અમારા જેવા નાના વેપારીઓ પાસે હવે મરવા સિવાય રસ્તો નથી. કરોડો રૂપિયાના નુકસાન સામે માત્ર 10 કે 20 હજારની સહાયનું શું કરીએ. જો કે સરકાર વેપારીઓને યોગ્ય મદદ કરે તેવી આશા વેપારી વર્ગ રાખીને બેઠો છે.