Namo Saraswati Yojana : ગુજરાતના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વર્ષ 2024-25ના ગુજરાત બજેટમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે નવી યોજનાઓ જાહેર કરવામાં આવી હતી, ત્યારે રાજ્યના વિદ્યાર્થીઓને ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો અમલ કરાયો. આ યોજના હેઠળ ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં ભણતાં વિદ્યાર્થીઓને બે વર્ષ દરમિયાન કુલ 25,000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે. રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. ઉલ્લેખનીય છે કે, અત્યારસુધીમાં રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ 2.50 લાખથી વધુ વિદ્યાર્થીઓને 28.46 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.