અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોડાસર ગામે રાવળવાસમાં રહેતા ભરત ઉર્ફે વગો જીલુભાઈ રાવળની રીક્ષા અડી જવા મામલે વિષ્ણુભાઈ રાવળ સાથે બોલાચાલી થઈ હતી. જેથી વિષ્ણુભાઈનું ઉપરાણું લઈને ગોવિંદ રાવળ અને ધમા રાવળ લાકડીઓ લઈ આવ્યા હતા. જ્યારે વિક્રમ રાવળ અને અન્ય એક કિશોર છરી લઈને આવ્યો હતો.
રિક્ષા અડી જવાની બાબતમાં થઈ હતી બબાલ
ત્યારે વિશાલ રાવળ અને રેશમબેન ગોવિંદભાઈ રાવળ લોખંડની પાઈપ લઈને હુમલો કર્યો હતો. જે દરમ્યાન ફરિયાદીના માતા-પિતા અને અન્ય પરિવાજનો તેમને છોડવવા વચ્ચે પડ્યા હતા. જે દરમ્યાન 65 વર્ષીય જીલુભાઈ રાવળને છરી, લોખંડની પાઈપ અને લાકડીઓથી ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ તેઓનું મોત નીપજ્યું હતું. જ્યારે ફરિયાદીના પરિવારજનો શિવુબેન, પ્રહલાદભાઈ અને અશ્વિનભાઈને શરીરના જુદા જુદા ભાગે ઈજાઓ પહોંચી હતી.
પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
મહત્વનું છે કે સમગ્ર ઘટનામાં ફરિયાદી અને આરોપીઓ કૌટુંબિક સગા થાય છે. જેને લઈને પોલીસે બંને પક્ષો વચ્ચે આ ઘટના ઉપરાંત અન્ય કોઈ જુના વિષય કે મિલ્કતને લઈને વિખવાદ હતો કે કેમ એની તપાસ હાથ ધરી છે અને 7 પૈકીના 6 આરોપીઓ ગોવિંદ રાવળ, વિષ્ણુ રાવળ, ધમા રાવળ, વિક્રમ રાવળ, વિશાલ રાવળ અને રેશમબેન રાવળની ધરપકડ કરી છે અને એક સગીર વિરુદ્ધ કાયદેસરના પગલાં લીધા છે. ઉપરાંત આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. જોકે ગ્રામ્ય પોલીસને શંકા છે કે આ માત્ર વાહન અડી જવાથી બનેલો બનાવ નથી, પરંતુ બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મન:દુખના કારણે આ બનાવ બન્યો હોઈ શકે છે.
પોલીસે હત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી
જે કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કૌટુંબિક સભ્યો વચ્ચે સામાન્ય તકરારમાં હત્યા થઈ હતી, પરંતુ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાથી ગામમાં વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો બીજી તરફ પોલીસ હત્યાના કારણના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ શરૂ કરી છે.