Gautam Adani Bribery Case: અદાણી ગ્રૂપે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ દ્વારા મૂકવામાં આવેલા લાંચ અને છેતરપિંડીના આરોપોને ફગાવી દીધા છે. અદાણી ગ્રૂપે તેમના વકીલો થકી એક નિવેદનમાં કહ્યું છે કે, અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનિત જૈન વિરુદ્ધ કોઈ લાંચ કે છેતરપિંડીનો આરોપ મૂકાયો નથી. આ ત્રણેય લોકો પર સિક્યુરિટીઝ ફ્રોડ અને વાયર ફ્રોડ સંબંધિત આરોપો છે, જેમાં સંભવિત પેનલ્ટીનો સામનો કરવો પડી શકે છે. જ્યારે વિવિધ મીડિયા હાઉસ દ્વારા આરોપ મૂકાયા છે કે, અદાણી ગ્રૂપના ઉપરોક્ત વ્યક્તિઓએ ભારતીય અધિકારીઓને 26.5 કરોડ ડોલરની લાંચ આપી હતી, પરંતુ અમેરિકન સરકાર દ્વારા દાખલ ચાર્જશીટમાં એવો ઉલ્લેખ નથી.