ઓસ્ટ્રેલિયામાં મોહમ્મદ શમીની રાહ જોઈ રહેલી ટીમ ઈન્ડિયાએ જ્યારે સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં મધ્યપ્રદેશ સામે રમતી વખતે ભારતીય ફાસ્ટ બોલર દર્દમાં જોવા મળ્યો ત્યારે તેના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. તેના ફોલો થ્રુમાં બોલને રોકવાનો પ્રયાસ કરતી વખતે શમી જમીન પર પડી ગયો અને તેને પીઠમાં ગંભીર તાણ આવી ગયો. શમી લાંબા સમય સુધી તેની પીઠ પકડીને મેદાન પર બેઠો રહ્યો, જેના કારણે બધા ટેન્શનમાં આવી ગયા. દરેક ભારતીય ક્રિકેટ ચાહકોના મનમાં આ સવાલ ઉઠ્યો હતો કે શમી ફરીથી ઈજાગ્રસ્ત થયો છે? ટીમ ઈન્ડિયાના અનુભવી ફાસ્ટ બોલરની ઈજા કેટલી ગંભીર છે? શમીએ પોતાની એક પોસ્ટમાં આ તમામ સવાલોના જવાબ આપ્યા છે.
શમીએ ફિટનેસ વિશે અપડેટ આપ્યું
વાસ્તવમાં તમામ પ્રકારની અફવાઓ પર પૂર્ણવિરામ મુકતા શમીએ પોતાને સંપૂર્ણપણે ફિટ જાહેર કરી દીધા છે. શમીએ પોતાના એક્સ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે જીમમાં પરસેવો પાડતો જોવા મળી રહ્યો છે. શમીએ પોતાના પગનો ફોટો શેર કર્યો છે, જેમાં તે વર્કઆઉટ કરી રહ્યો છે. ફાસ્ટ બોલરે કેપ્શનમાં લખ્યું, “મજબૂત પગ, મજબૂત મન અને મજબૂત શરીર.” શમીની આ પોસ્ટ પરથી સમજી શકાય છે કે તે સંપૂર્ણ રીતે ફિટ છે. મધ્યપ્રદેશ સામેની ઈજા માત્ર એક નીગલી હતી, તેનાથી વધુ કંઈ નથી. તમને જણાવી દઈએ કે ભારતીય પસંદગીકારોની નજર સતત શમીની ફિટનેસ પર ટકેલી છે. જો શમી સંપૂર્ણપણે ફિટ થઈ જાય છે તો તેને ઓસ્ટ્રેલિયા મોકલી શકાય છે.
શમીની રાહ જોઈ રહી છે ટીમ ઈન્ડિયા
ઈજામાંથી સાજા થયા બાદ મોહમ્મદ શમીને પસંદગીકારોએ ઘરેલુ ક્રિકેટમાં તેની ફિટનેસ સાબિત કરવા માટે કહ્યું છે. આ જ કારણ છે કે શમી અગાઉ રણજી ટ્રોફીમાં બંગાળ તરફથી રમતા જોવા મળ્યો હતો, જેમાં તેનું પ્રદર્શન શાનદાર હતું. આ પછી તેને સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં રમવા માટે પણ કહેવામાં આવ્યું છે. જો શમી પોતાની ફિટનેસ સાબિત કરવામાં સફળ રહેશે તો તે ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ જશે. કાંગારૂની ધરતી પર શમીનો રેકોર્ડ જબરદસ્ત રહ્યો છે અને તેથી જ ટીમ મેનેજમેન્ટ તેને બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં રમતા જોવા માંગે છે.