Meta AI New Feature: વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના યુઝર માટે એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝરને મેટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાસે મદદ માગવી સહેલી થઈ ગઈ છે. અત્યાર સુધી Meta AIનો ઉપયોગ ટેક્સ્ટ દ્વારા કરવામાં આવતો હતો. જોકે હવે યુઝર બોલીને પણ Meta AIનો ઉપયોગ કરી શકશે.
ટેક્સ્ટની જગ્યાએ વોઇસ
ઘણીવાર એવું થાય છે કે યુઝરના દિમાગમાં જે ચાલતું હોય એ શબ્દમાં વર્ણવી ન શકે, પરંતુ એને સારી રીતે બોલીને કહી શકે. આથી Meta દ્વારા તેમના યુઝર માટે વોઇસ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. એની મદદથી યુઝર Meta AI પાસે વાત કરીને મદદ માગી શકે છે અને વધુ સારી રીતે વાતચિત પણ કરી શકશે.
Meta AIના નવા ફીચર્સ
ટોક ટૂ મી: વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર હવે ટેક્સ્ટની સાથે Meta AI સાથે વાત પણ કરી શકશે. આ માટે વેવફોર્મ બટન આપવામાં આવ્યું છે. એના પર ક્લિક કરતાં જ Meta AI ચેટબોટ શરૂ થઈ જશે. આ ચેટબોટને યુઝર સવાલ કરી શકે છે. મેટા દ્વારા એ વાતની પણ ખાતરી આપવામાં આવી છે કે Meta AIના અવાજ તરીકે બહુ જલદી વિવિધ સેલિબ્રિટીઝનો અવાજ પણ સાંભળવા મળશે. આ માટે Awkwafina, ડેમ જુડી ડેન્ચ, જોન સીના, કીગન માઇકલ કે અને ક્રિચન બેલ જેવી સેલિબ્રિટીઝ સાથે વાત કરતાં હોય એવો અહેસાસ યુઝરને થશે.
લૂક એટ ધીસ: Meta AI હવે ફોટો ઇનપુટ પણ લેશે એટલે કે કોઈ ફોટોને લઈને યુઝરને સવાલ હોય તો એ ફોટો યુઝર સીધો Meta AI ‘લૂક એટ ધીસ’ ફીચર દ્વારા મોકલશે. ત્યાર બાદ એ ફોટોને એનલાઇઝ કર્યા બાદ યુઝરના જે સવાલ હશે એનો જવાબ આપશે. વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા આ માટે ઉદાહરણ પણ આપવામાં આવ્યું હતું કે કોઈ યુઝર કોઈ વાનગીનો ફોટો Meta AIને મોકલશે અને તેને સવાલ કરશે કે આ આઇટમ કેવી રીતે બનાવવી એ ડિટેઇલમાં કહે તો એનો જવાબ મળી જશે.
એડિટ માય ફોટો: ઉપરના બે વર્ઝન ઘણા AI સોફ્ટવેરમાં ફ્રીમાં હતાં. જોકે વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા Meta AIને એક સ્ટેપ આગળ લઈ જવામાં આવ્યું છે. યુઝર હવે Meta AI સાથે ફોટો શેર કરી શકશે અને એ ફોટોને એડિટ કરવા માટે પણ કહી શકશે. ઉદાહરણ તરીકે એક ફોટોમાં ઘણાં બધા ફોટો હોય અને એને એડિટ કરવો હોય અને અજાણ્યા વ્યક્તિને એમાંથી કાઢવા હોય તો એ Meta AI યુઝરને કરી આપશે. તેમ જ બેકગ્રાઉન્ડ પણ બદલી આપશે અને ઘણી વસ્તુઓ કરી આપશે.