વડનગર તાલુકાના જાસ્કા મંદિરના પૂજારીનું ચાંદખેડાની એક હોસ્પિટલની બેદરકારીથી મોત નિપજતાં પરિવાર નિરાધાર બન્યો છે. મૃતકના પત્ની અને પુત્રએ આ હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ કરવા પોલીસમાં ધા નાંખી છે. જાસ્કાના વતની અને બ્રહ્માણી માતાજી મંદિરના પૂજારી કિશોરગીરી ગોસ્વામીના પગની આંગળીમાં તકલીફ્ થઈ હતી.
પરિવારજનોએ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એસએમએસ હોસ્પિટલ લઈ ગયા હતા. તબીબોએ તેમનું નિદાન કરી આંગળીની નસ દબાતી હોવાથી તેમની સર્જરી કરવાનું કહ્યું હતું. જેથી પરિવારજનોએ સહમતિ દર્શાવી હતી. જો કે, કઈ સર્જરી કરી, કોણે કરી કઈ પણ માહિતી આપવાનું હોસ્પિટલે ટાળ્યું હોવાથી પરિવારજનો રોષે ભરાયા હતા.
ચાંદખેડાની હોસ્પિટલના તબીબોએ દર્દીના રિપોર્ટ કઢાવ્યા બાદ તેઓને પહેલા હૃદયમાં સ્ટેન્ટ મૂકવાની વાત કરી હતી. ત્યારબાદ, તેઓનું બાયપાસ કરવું પડશે તેમ કહી દર્દીના પરિવાર પાસેથી સારવાર પેટે રૂ.3 લાખની રકમ લઈ લીધી હતી. જો કે, હોસ્પિટલે આ ઓપરેશન મા અમૃતમ કાર્ડ દ્વારા 10 લાખની રકમ સરકાર પાસેથી લીધી હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. એટલું જ નહીં સર્જરી બાદ બીજા જ દિવસે દર્દીને હોસ્પિટલમાંથી રજા આપીને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. પરિવારજનોએ હોસ્પિટલ સંચાલકો સામે તેઓને કેવા પ્રકારની સર્જરી કરાઈ તે અંગેની કેસ ફાઇલ પણ હોસ્પિટલ સંચાલકોએ પોતાની પાસે દબાવી દીધી હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યા છે.
મૃતક પૂજારી હોસ્પિટલમાં સર્જરી કરાવ્યા બાદ ત્રણ મહિના સુધી દર્દથી કણસતા હોઈ પરિવારજનો તેઓને વારંવાર ચાંદખેડાની હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જો કે અહીંના તબીબોએ તેમની જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરી હતી. હોસ્પિટલે આ દર્દી બાબતે ગંભીરતા ન દાખવતાં દર્દીનું ગત 19મી જાન્યુઆરીએ મૃત્યુ થયું હતું. મૃતકના પત્ની કપિલાબેન ગોસ્વામીએ એસએમએસ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સામે બેદરકારી દાખવવા તેમજ ખોટીરીતે પૈસા લીધા હોઈ સંચાલકો સામે કાર્યવાહી કરવા ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક, રાજ્યના આરોગ્ય મંત્રી સહિતને અરજી કરીને યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવા માંગણી કરી છે.
પેટ ચીરીને ઓપરેશન કર્યું પરંતુ શેનું કર્યું તે ડોક્ટરો કહેતા નથી : કપિલાબેન ગોસ્વામી
મૃતકના પત્ની કપિલાબેન ગોસ્વામી જણાવ્યું હતું કે, મારા પતિના પેટ પર ખૂબ લાંબો ચીરો કરીને ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન શેનું કર્યું છે તેવું અમે વારંવાર ચાંદખેડા હોસ્પિટલના ડોક્ટરોને પૂછયું પરંતુ તેઓ કોઇ જ જવાબ આપતા નથી. ઓપરેશન બાદ મારા પતિના પેટ પર લેવાયેલા ટાંકા પાકી ગયા હતા. ઇન્ફેક્શન લાગી જવાથી તેમના પેટમાંથી સતત પરુ નીકળતું હતું. દિવસો સુધી તેઓ ખોરાક લઇ શક્યા ન હતા. આ અંગે ડોક્ટરને વારંવાર કીધું પરંતુ તેઓએ કોઈ જ દાદ આપી નહીં. જેથી અમને શંકા છે કે તેઓએ કરેલું ઓપરેશન ભૂલ ભરેલું છે. જેના કારણે મારા પતિને જીવ ગુમાવવો પડયો છે.
ઓપરેશન બાદ દર્દીનો પગ કાળો થઈ ગયો, પેટ ઉપર કરેલું ઓપરેશન શંકાસ્પદ : મૃતકનો પુત્ર
આ અંગે મૃતક દર્દીના પુત્ર રાકેશગીરીએ જણાવ્યું હતું કે, મારા પિતાજીના ડાબા પગની ટચલી આંગળી કાળી થતી હતી. આ અંગેની સારવાર માટે અમદાવાદના ચાંદખેડામાં આવેલી એસએમએસ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડોક્ટરોએ તેમનું બાયપાસ કરવું પડશે તેમ કહીને પેટના ભાગે લાંબો ચીરો અને પેટના નીચેના ભાગે અન્ય બે કાપા મૂકીને ઓપરેશન કર્યું હતું. ઓપરેશન બાદ મારા પિતાજીને પગની આંગળીનું દર્દ હતું તે આખો પગ કાળો પડી ગયો હતો. ડોક્ટરોએ પેટના ભાગે કરેલું ઓપરેશન અમને શંકાસ્પદ લાગતા અમે વારંવાર ડોક્ટર પાસે ગયા હતા અને કોણે અને કેવા પ્રકારનું ઓપરેશન કર્યું છે તે અંગે જાણકારી મેળવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ અમને ત્યાંથી કાઢી મૂકવામાં આવતા હતા. મારા પિતાજીની તબિયત લાંબા સમય સુધી નાદુરસ્ત રહી હતી અંતે તેમને જીવ ગુમાવવો પડયો છે. આ ઓપરેશન શંકાસ્પદ હોવાથી અમે અમદાવાદના મોટેરા પોલીસ સ્ટેશન અને ગાંધીનગર એસપીને અરજી આપી યોગ્ય તપાસની માગણી કરી છે.