મહેસાણા જિલ્લાના ગામડાઓના માર્ગોના નવીનીકરણ માટે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત ચાર જેટલી કોન્ટ્રાક્ટ એજન્સીઓને ઠેકો આપવામાં આવ્યો હતો. આ ઠેકેદારોએ માર્ગ નવનિર્માણ કરવાનું કાર્ય શરૂ પણ કરી દીધું હતું. પરંતુ, ટેન્ડર ભરતી વખતે રજૂ કરાયેલા મટીરીયલના ભાવ અને કામ શરૂ થયું તે વખતે ખરીદવામાં આવતું મટીરીયલ મોંઘુ પડતાં ઠેકેદારોએ અધ્ધ વચ્ચે જ કામ છોડી દેતાં જિલ્લાના 10 માર્ગોના નવીનીકરણનું કામ ટલ્લે ચડયું છે. કામ અધૂરું છોડી દેનાર કોન્ટ્રાક્ટ એજન્સીને મહેસાણા જિલ્લા પંચાયતની બાંધકામ શાખાએ બરતરફ્ કરી તેમની પાસેથી જોગવાઈ મુજબ નાણાં રિકવરી કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા જિલ્લાના મહેસાણા, વિસનગર, વિજાપુર, કડી અને ઊંઝા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના જર્જરીત થઈ ગયેલા માર્ગોના નવનિર્માણ માટે જિલ્લા પંચાયતની બાંધકામ શાખા દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંદાજે ચાર વર્ષ પૂર્વે કરાયેલી આ પ્રક્રિયામાં જિલ્લાના અલગ અલગ માર્ગો માટે ચાર કોન્ટ્રાક્ટ એજન્સીઓ પસંદ કરવામાં આવી હતી. પસંદગી પામેલી કોન્ટ્રાક એજન્સીઓએ માર્ગ નવનિર્માણની કામગીરી હાથ ધરી હતી. જો કે, ઠેકેદારોએ કામગીરી શરૂ કરતા માર્ગ નિર્માણ માટે વપરાતું મટીરીયલ તેઓને મોંઘુ પડવા લાગતાં તેઓ માર્ગ નિર્માણનું કાર્ય અધૂરું છોડી દીધું છે.
મહેસાણા જિલ્લા પંચાયતની બાંધકામ શાખાએ ઠેકેદારો પાસેથી ખુલાસો માગતાં તેઓએ ટેન્ડર પ્રક્રિયામાં ભરેલા મટીરીયલ ભાવ કરતાં વધુ પડતા ભાવે મટીરીયલ મળતું હોવાનું બહાનું આગળ ધરીને માર્ગ નવ નિર્માણનું કામ છોડી દીધાનો ખુલાસો કર્યો હતો. આમ, કોન્ટ્રાક્ટરોની માર્ગ નવ નિર્માણ કરવાની અનિચ્છા હોવાના કારણે મહેસાણા જિલ્લાના 10 માર્ગોના કામ અધૂરા રહેતા ગ્રામ્ય જનતાને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
આ તાલુકાના આ ગામના રસ્તા નવનિર્માણ કરવા કોન્ટ્રાકટ અપાયો હતો
મહેસાણા જિલ્લા પંચાયતની બાંધકામ શાખા દ્વારા મહેસાણા તાલુકાના છઠીયારડાથી પાલોદર, મેવડ-બોરીયાવી-ગોકળગઢ-ખારા, વીરતા રેલવે પુરા ધીણોજ રોડ, વિજાપુર તાલુકાના ગોવિંદપુરા ગામથી હાઇવે ડાભલાને જોડતો નેળીયાનો રોડ-ડાભલાથી કૃષ્ણનગર પ્રાથમિક શાળાથી રામાનંદ આશ્રામ રોડ, વિસનગર તાલુકાના દેણપ ખંડોસણથી આનંદપુરા રોડ, કડી તાલુકાના કૈયલથી ગણેશપુરા-કૈયલથી આનંદપુરા- કરસનપુરા-લ્હોર-આનંદપુરાથી ચાંદરડા અને ઊંઝા તાલુકાના મુકતુપુર સુણોક રોડ તેમજ અમુઢથી પેપલ્લા તળાવથી ટુંડાવ વરવાડા જોઇનિંગ રોડનો સમાવેશ થાય છે.
આ કોન્ટ્રાક્ટ એજન્સીને બરતરફ કરી દેવામાં આવી
મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત માર્ગ નવ નિર્માણનો ઠેકો લેનાર એજન્સીઓએ કામ પૂર્ણ નહીં કરતા જિલ્લા પંચાયતની બાંધકામ શાખાએ અમદાવાદની અભી કન્સ્ટ્રક્શન, ચિત્રોડા પાલનપુરની બી.વી.ચૌધરી, પાલનપુરની જીતેન્દ્ર એફ્ .પટેલ, વિસનગરની અમૃત આર. પટેલ એમ ચાર ઠેકેદારોને કામ પૂર્ણ નહીં કરવા બદલ ટર્મીનેટ કરી દેવામાં આવ્યા છે. આ તમામ એજન્સી પાસેથી જોગવાઈ મુજબના નાણાંની રિકવરી પણ તંત્ર દ્વારા કરાશે.