મહેસાણા મહાનગરપાલિકામાં સારા અને સુંદર વિકાસના કામોની વાતો વચ્ચે ક્યાંક દીવા તળે જ અંધારું રહ્યું હોય તેમ કચેરીમાં જ બેઠક વ્યવસ્થા અને પીવાના પાણીની પરોજણ સર્જાઈ રહી છે. કચેરીમાં છેલ્લા ઘણા સમયથી પંખા બંધ હાલતમાં રહેતા અરજદારો શેકાઈ રહ્યા છે. તો બીજી તરફ્ પીવાના પાણીનો પ્લાન્ટ બંધ હાલતમાં હોઈ અહીં અરજદારોને બેસવાની જગ્યાએ પાણીના જગે સ્થાન લીધું હતું.
મહેસાણા મહાનગરપાલિકા કચેરી દ્વારા એક આગવું જ સોફ્ટવેર બનાવી મહત્તમ કામગીરીની સેવાઓ ડિજિટલ રીતે આંગળીઓના ટેરવે મળતી થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે હાલમાં ઉનાળાની ગરમીમાં મનપા કચેરીમાં કેટલાક પંખાઓ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં રહેતા અરજીદારોએ ગરમીમાં શેકાવવું પડી રહ્યું છે. તો બીજી તરફ્ મનપાની કચેરીમાં પીવાના પાણી માટે મિનરલ વોટર પ્લાન્ટ અને વોટર કુલર બંધ હાલતમાં રહ્યા છે.
જેથી કચેરીમાં અરજદારોને બેસવાની જગ્યાએ પાણીના જગને સ્થાન આપવામાં આવ્યું છે. જે જગ આજે અહીં તો કાલે અન્ય જગ્યાએ પડયા હોય છે. મહેસાણા મનપા કચેરીમાં આવતા અરજદારો માટે પીવાના પાણી, પંખા અને બેઠકની યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવે તેવી નાગરિકોમાં માંગ ઉઠવા પામી હતી.