વડનગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે 26 બેઠકો જીતીને પાલિકાની સત્તા કબજે કરી છે. બીજી તરફ્, વિપક્ષે કોંગ્રેસના માત્ર બે જ સભ્યો ચૂંટાયા છે. પાલિકાની પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મહિલા પ્રમુખ ચુંટી કાઢવા માટે 5,માર્ચના બુધવારે પાલિકાની ખાસ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જ્યારે જિલ્લા સંગઠનના મહામંત્રી દ્વારા મેન્ડેટ રજૂ કરીને પ્રમુખ તરીકે મિતિકા શાહ, ઉપપ્રમુખ જયંતિ ઠાકોર અને કારોબારી ચેરમેન પદે ઉત્તમ પટેલની પસંદગી કરવામાં આવી છે.
વડનગર પાલિકાના મહિલા પ્રમુખ કોણ બનશે તે અંગે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા સેન્સ પણ લેવામાં આવી હતી. જો કે, વડનગરમાં રાજકીય રસિયાઓ પ્રથમ અઢી વર્ષ માટે પાલિકા પ્રમુખ પદે કઈ મહિલાની પસંદગી થાય છે તેના ઇન્તજારમાં અનેક પ્રકારની છેડાયેલી ચર્ચાનો આજે અંત આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડનગર પાલિકાની સામાન્ય ચૂંટણી પ્રતિષ્ઠા ભરી બની રહી હતી. જાહેર થયેલા ચૂંટણી પરિણામોએ ભાજપની છાવણીમાં ઉત્સાહ ભરી દીધો હતો. અહીં ભાજપ, કોંગ્રેસ અને અન્ય ઉમેદવારો મળી 50 ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં ભાજપની 6 મહિલા અને 1 પુરુષ ઉમેદવારે બિનહરીફ્ જીત મેળવી હતી. જ્યારે ચૂંટણીમાં વડનગરમાં 24,045 જેટલા મતદારોએ ભાજપના 19 અને કોંગ્રેસના 2 ઉમેદવારોને જીતાડીને પોતાનો જનાદેશ આપ્યો હતો.