ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી દિશાની બેઠક લોકસભા સાંસદ હરિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં આમંત્રિત સભ્ય તરીકે પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સરકારના 26 વિભાગોની વિવિધ 67 યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ હરિભાઈ પટેલે કામગીરીની સમીક્ષા કરતા વિવિધ વિભાગોને લગતી જનકલ્યાણકારી યોજનાઓના લાભ તમામ જરૂરીયાતમંદો નાગરિકોને સમયસર મળી રહે તે સુનિશ્વિત કરવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પુરું પાડયું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવીન લાભાર્થીના રજીસ્ટ્રેશન માટે ચાલતા સર્વેની જાણકારી ધારાસભ્યો અને સ્થાનિક પદાધિકારીઓને આપવામાં આવે તો મહત્તમ લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના સર્વેની પણ જાણકારી આપવામાં આવે જેથી કરીને આ યોજનાનો લાભ પણ જિલ્લાના ગામોને મળી શકે.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત જિલ્લાના લાભાર્થીઓએ મેળવેલ લાભ અંગેની જાણકારી લોકો સુધી પહોંચે અને તેનો વધુ પ્રચાર પ્રસાર થાય તો જિલ્લાના લાભાર્થીઓને મહત્તમ લાભ મળશે. આ ઉપરાંત જળસંચયના કામો જિલ્લામાં વધુમાં વધુ પ્રમાણમાં થાય તે પ્રકારનું આયોજન કરવા પણ જણાવ્યું હતું. તેમજ તાલુકા દીઠ લેન્ડ કમિટીની બેઠક સમયાંતરે મળે જેથી લોકોને લાભ મળી રહે. આ ઉપરાંત તેમણે મોડેલ ગ્રામ હાટ બનાવવા પણ અનુરોધ કર્યો હતો. વધુમાં સાંસદએ પ્રાકૃતિક કૃષિ કરતાં પ્રગતિશીલ ખેડૂતોની વાત જિલ્લાના અન્ય ખેડૂતો સુધી પહોંચે અને તેનો યોગ્ય પ્રચાર પ્રસાર થાય તે પ્રકારનું આયોજન કરવા પણ જણાવ્યું હતું તેમજ ઉનાળાના સમયમાં જિલ્લાના એકપણ ગામમાં પીવાના પાણી બાબતે કોઈ તકલીફ્ ન પડે તે પ્રકારનું આયોજન કરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિએ વિવિધ યોજનાઓના અમલીકરણ અધિકારીઓને કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલ યોજનાકીય કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે જરૂરી સૂચના આપી હતી. આ બેઠકમાં વિવિધ યોજનાઓના અમલીકરણ અધિકારીઓએ પ્રેઝન્ટેશનના માધ્યમથી યોજનાની પ્રગતિ, મેળવેલ લક્ષ્યાંક અને કામગીરીનો અહેવાલ અધ્યક્ષ અને કમિટીના સભ્યો સમક્ષ રજૂ કર્યો હતો. આ બેઠકમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, દિશા કમિટીના સભ્યો તેમજ જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.હસરત જૈસમીન, નિવાસી અધિક કલેક્ટર જે.કે. જેગોડા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇ.નિયામક હર્ષનિધિ શાહ સહિત વિવિધ યોજનાઓના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.