કમાલપુર (ધીણોજ) ગામમાં ટીંટોડીના બચ્ચા ખેતરમાં રમતા જોવા મળતાં ખેડૂતોમાં આશ્ચય સર્જાયું હતું. એક ખેડૂતના અનુમાન પ્રમાણે ખેતર ખાલી થાય ત્યાર બાદ જ ટીંટોડી ઈંડા મુકે છે અને ચોમાસા સીઝન સરુ થાય ત્યારે બચ્ચા બનતા હોય છે.
પરંતુ, હજુ તો ગરમીની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે ખેતરમાં ટીંટોડીના બચ્ચા રમતા જોવા મળતાં આશ્ચય સર્જાયું હતું. આ ટીંટોડીનો ખોરાક જીવજંતુ હોય છે તે જમીન પર વસવાટ કરે છે અને વરસાદ થયા પછી તેના બચ્ચાને ખોરાક મળી રહેતો હોય છે જેના કારણે તે ચોમાસાની શરૂઆત અને અડધા ઉનાળા પછી જ ઈંડા મુકે છે. વહેલા ઈંડાં મુકેલા હોવાથી ખેડૂતો માને છે કે આ વર્ષે વરસાદ વહેલા આવશે.
ખેડૂતોની માન્યતા મુજબ ટીંટોડીના બચ્ચાં ચૈત્ર માસમાં દેખાતાં ચોમાસુ વહેલુ અને સારુ જવાના એંધાણ છે. મુખ્યત્વે ટીંટોડી વૈશાખ મહિનાના અંતમાં ઈંડા મુકતી હોય છે અને જેઠ મહિનામાં તેના બચ્ચાં જોવા મળે છે. પરંતુ, તે પહેલાં ટીંટોડીએ ઈંડા મુકી તેના બચ્ચાં પણ રમતાં થઈ જતાં ચોમાસુ વહેલુ બેસવાનાં એંધાણ વર્તાઈ રહ્યા છે.
પ્રાચીન સમયમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન હતો, કમ્પ્યુટર, ઇન્ટરનેટ કે સેટેલાઈટ ન હતા. ત્યારે ભાવિ વરસાદની આગાહી વડવાઓ અવલોકન, અભ્યાસની કોઠાસુજ આધારે કરતા હતા. ચોમાસુ શરૂ થવા અગાઉ જુદી-જુદી રીતે વરસાદનો વરતારો કરતા હતા. જે પ્રથા આજના આધુનિક યુગમાં પણ જીવિત છે. વરસાદના પરંપરાગત વિજ્ઞાન પ્રમાણે ટીંટોડી ચાર ઇંડા મૂકે તો સારો વરસાદ, ઊંચાઈએ મુકે તો વ્યાપક વરસાદ અને ઇંડા વહેલા મુકે તો ચોમાસુ વહેલું બેસી જાય એવી માન્યતા પ્રચલિત છે. ત્યારે કમાલપુરમાં બાબુભાઈ ખોડાભાઈના ખેતરમાં નિંદામણના કચરાના ઢગ ઉપર ટીંટોડીનાં બચ્ચાં રમતાં જોવા મળ્યા હતા. ટીંટોડીના ઈંડાની વિશેષતા છે કે, સામાન્ય રીતે જૂન-જુલાઇ માસમાં વરસાદ અગાઉ ટીંટોડીના ઈંડા મળી આવતા હોય છે. એપ્રિલ માસ દરમિયાન એટલે કે કુદરતી સમય પહેલા ઈંડા જોવા મળ્યા છે ત્યારે આ પ્રકૃતિના પરિવર્તનનો કોઈ સંદેશો હોઈ શકે તેમ માનવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રકૃતિના બદલાતા ચક્ર સ્વરૂપનો આ નિર્દેશ છે. આવા સંજોગોમાં ટીંટોડીએ એપ્રિલ માસમાં ઈંડા મુકી બચ્ચાં પણ રમતાં થઈ જતાં તે ઘટના પ્રાકૃતિક દ્રષ્ટિએ સમજવાની જરૂર છે એમ અનુભવી ખેડૂતોનું માનવું છે.