વિજાપુરના કુકરવાડા માર્કેટયાર્ડમાં શ્રી ગણેશ ટ્રેડિંગ નામની પેઢીમાંથી સ્થાનિક મામલતદાર કચેરીની પુરવઠા વિભાગની ટીમે બાતમીના આધારે દરોડો પાડતા ઘઉં, ચોખા અને ચણાનો 7700 કિલો જથ્થો ઝડપી પાડયો હતો. પુરવઠા વિભાગની ટીમે જથ્થાની ગણતરી કરી સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
વિજાપુર મામલતદાર કચેરીના પુરવઠા નાયબ મામલતદાર સાજન ભઈ પટેલને શુક્રવારે સાંજના સમય કુકરવાડા ગામની એપીએમસીમાં આવેલી શ્રી ગણેશ ટ્રેડિંગ કંપની નામની પેઢીમાં દરોડો પાડયો હતો. દરોડો દરમિયાન પેઢીમાંથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો. શંકાસ્પદ જથ્થા અંગે નાયબ મામલતદાર પુરવઠાએ પેઢીના સંચાલક પાસેથી ખરીદીના બિલો માંગતા તે આપવામાં નિષ્ફ્ળ નીકળ્યા હતા અને નાયબ મામલતદાર સાજન પટેલના જણાવ્યા અનુસાર તપાસ ટીમે પેઢીમાંથી મળી આવેલ શંકાસ્પદ સરકારી અનાજના જથ્થાનું વજન કરી તપાસ હાથ ધરી હતી. લગભગ 9 વાગ્યા સુધી ગણતરી હાથ ધરાયા બાદ પેઢીમાંથી રૂ. 2,67,403ની કિંમતનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપ્યો હતો. જે પૈકી 21 બોરી ઘઉં, 100 કટ્ટા ચોખા તેમજ 13 કટ્ટા ચણા સીઝ કરી સરકારી અનાજના ગોડાઉનમાં સુપરત કરાયો હતો. આ જથ્થો સસ્તા અનાજની દુકાનનો સરકારી હોવાનું મનાઈ રહ્યું છે. અનાજનો આ જથ્થો કોનો છે, તે દિશામાં તપાસ વિજાપુર પુરવઠા અધિકારી દ્વારા હાથ ધરાઈ છે.