મહેસાણા જિલ્લામાં તાપમાનનો પારો 36 ડિગ્રીએ સ્થિર રહ્યો છે. ગરમીથી રાહત મેળવવા માટે યુવાનો અને પ્રૌઢો વોટર પાર્ક અને સ્વિમિંગ પૂલમાં સ્નાન કરીને ઠંડક મેળવી રહ્યા છે.
મહેસાણા નજીક શંકુજ વોટરપાર્ક તેમજ સ્વિમીંગ પુલોમાં ઠંડા પાણીના સહારે સહેલાણીઓ ગરમીથી રાહત મેળવી રહ્યા છે અને શાળામાં બોર્ડની પરીક્ષા પુરી થતાં અને ઉનાળાના કારણે વોટર પાર્કમાં સહેલાણીઓનો ધસારો વધી રહ્યો છે. એશિયાના સૌથી મોટા શંકુઝ વોટર પાર્કમાં ગુરુવારે નવી રાઈડના આનંદ લેવા ભારે ભીડ જામી હતી. ઠંડીના કારણે સુષુપ્ત રહેલા સ્વિમિંગ પૂલ અને વોટરપાર્ક ગરમી વધતાં ધમધમતા થયા છે.
શંકુઝ વોટર પાર્કમાં નવા બનાવેલ વેવ પૂલમાં ધુબાકા મારવા યુવાનો પડાપડી કરી રહ્યા છે. વેકેશન શરૂ થતાં આબાલવૃધ્ધ જિલ્લામાં આવેલાં વોટર પાર્ક અને સ્વિમીંગ પુલોમાં સ્નાન કરી ઠંડકનો અનુભવ કરી રહ્યાં છે.મહેસાણા જિલ્લામાં બપોરે 1-00 કલાકે 35 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન નોંધાયું હતું. જયારે બપોરે 4-00 કલાકે તાપમાન 36 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન નોંધાયું હતું. દિવસ દરમ્યાન પવનની ગતિ પ્રતિ કલાકે 11 કિમી.ની રહી હતી. આગામી દિવસોમાં ગરમીનો પારો 2 ડિગ્રી તાપમાન ઊંચકાય તેવી હવામાન વિભાગની આગાહી પણ છે. તળાવો અને ગ્રામીણ જળાશયો ખાલીખમ થઈ રહ્યાં છે. જેના કારણે તળાવોમાં ગરમીથી બચવા આશ્રય મેળવતાં ભેંસ જેવાં પશુઓએ વૃક્ષોની છાયામાં જ આશ્રય મેળવવો પડશે. મહેસાણા શહેરમાં આવેલ વણીકર કલબનો સ્વિમીંગ પુલ પણ સોમવારથી શરૂ થઈ રહ્યો છે. જેથી તરવૈયાઓ અને સ્વીમીંગ શિખવાવાળા બાળકોની વણીકરમાં ભીડ જામશે. મોટીદાઉ નજીક આવેલ બ્લિસ વોટર પાર્કમાં પણ તરવૈયાઓ ગરમીથી બચવા પહોંચી રહ્યા છે.